વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વિણાબેન ગાંગુર્ડે અને આહવા-1ના તાલુકા સદસ્ય રાકેશ પવારની ઉપસ્થિતિમાં કુદરતી આફત અને ભારે વરસાદને કારણે મકાનોને નુકસાન પામેલા અસરગ્રસ્ત લાભાર્થીઓને આર્થિક ચેકનુ વિતરણ કરવામાં આવ્યુ હતુ.અગાઉ આહવા તાલુકાના વિવિધ ગામોમાં ભારે વરસાદ અને કુદરતી પ્રકોપને લીધે અનેક મકાનોને આંશિક તેમજ સંપૂર્ણ નુકસાન પહોંચ્યુ હતુ. સરકારી નિયમોનુસાર અને સર્વે કામગીરી પૂર્ણ થયા બાદ આહવા તાલુકા પંચાયત દ્વારા લાભાર્થીઓને સહાય આપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ વિણાબેન ગાંગુર્ડે, આહવા-1ના તાલુકા સદસ્ય રાકેશ પવાર તથા આહવા તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરીની ઉપસ્થિતિમાં કુદરતી આફતના અસરગ્રસ્તોને કચેરી ખાતે બોલાવી રૂબરૂમાં સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.કુદરતી આફતમાં નુકસાન પામેલા કુલ ૪ લાભાર્થીઓને ₹૩,૭૦,૫૦૦ (ત્રણ લાખ સિત્તેર હજાર પાંચસો રૂપિયા) ની સહાય વિતરિત કરવામાં આવી છે.ચેક વિતરણ પ્રસંગે તાલુકા સદસ્ય રાકેશ પવારે જણાવ્યું હતું કે, “કુદરતી આફતના સમયે ગ્રામજનોને આર્થિક ટેકો પૂરો પાડવો એ શાસનની પ્રાથમિક ફરજ છે. ચોમાસા દરમિયાન મકાનોને થયેલા નુકસાન બદલ સમયસર સહાય પૂરી પાડીને અસરગ્રસ્ત પરિવારોને પુનઃસ્થાપિત કરવામાં આ રકમ ઉપયોગી નીવડશે.”સહાય મેળવનાર લાભાર્થીઓએ આ મુશ્કેલ સમયમાં ત્વરિત કામગીરી કરી આર્થિક સહાય પહોંચાડવા બદલ તાલુકા પંચાયત અને સ્થાનિક પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો..










