વિજાપુરમાં સોસાયટીના ગેટ પાસે સાઇડમાં ઊભા રહેવાનું કહેતાં મારામારી
રાધે બંગ્લોઝમાં ચાર શખ્સો સામે ફરિયાદ; પતિ-પત્નીને માર માર્યાનો અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આક્ષેપ
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી

વિજાપુરની રાધે બંગ્લોઝ સોસાયટીના ગેટ પાસે સાઇડમાં ઊભા રહેવાનું કહેવા જતા સામાન્ય બાબતે થયેલા વિવાદમાં પતિ-પત્ની સાથે મારામારી કરવામાં આવી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ મામલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ રાધે બેંગ્લોઝ સોસાયટી માં રહેતા રાકેશકુમાર ભુપતભાઈ પરમાર તેઓ ગઈ 14 ઓક્ટોબરની રાત્રે પત્ની અને પુત્ર સાથે ઇકો કારમાં રામનગર સોસાયટીમાં સગાં સંબંધીઓના ઘરે નવરાત્રિ નિમિત્તે ગરબા રમવા ગયા હતા. ત્યાંથી પાછા પરત ફરતી વખતે રાત્રિના આશરે સાડા બાર વાગ્યાના અરસામાં રાધે બંગ્લોઝ સોસાયટીના ગેટ પાસે પાર્થ અશોકભાઈ પરમાર ઊભા હોવાથી તેમને સાઇડમાં ઊભા રહેવાનું કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા.તેમનું ઉપરાણું લઈ પાર્થ પરમારે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ રાકેશ ભાઈ પોતાની કાર ઘરે મૂકીને પરત આવ્યા બાદ પાર્થ અને તેમના મોટા ભાઈ દશરથ ભાઈએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી ગડદા પાટુ નો માર માર્યો હોવાનો આક્ષેપ છે. ફરિયાદીની પત્ની તેમને છોડાવવા વચ્ચે પડતાં રાહુલ કુમાર મનુભાઈ પરમાર અને અશોકભાઈ પરમાર પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને બંને એ પતિ-પત્નીને માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, ચારેય શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ફરિયાદમાં આક્ષેપ કરાયો છે. બનાવમાં ઈજાઓ થતાં ફરિયાદી અને તેમની પત્નીએ 108 એમ્બ્યુલન્સ મારફતે વિજાપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી છે
રાત્રિના સમયે બનેલા આ બનાવ બાદ ફરિયાદી પરિવાર સાથે પામોલ ગામે ગયા હતા અને બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










