અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસા – એજન્સીને રૂ. ૧૦,૦૦૦ નો દંડ ફટકારાયો ,ટોયલેટના ઉપયોગ માટે વધુ નાણાં વસૂલવા બદલ કલેક્ટર મિલિન્દ બાપનાની કડક કાર્યવાહી
મોડાસા બસ સ્ટેન્ડની સ્વચ્છતા અને મુસાફરો પાસેથી ટોયલેટના ઉપયોગ માટે વધુ નાણાં વસૂલવા બદલ કલેક્ટર મિલિન્દ બાપનાની કડક કાર્યવાહી
મુસાફરોની સુવિધા અને સ્વચ્છતા જાળવવા સંબંધિત એજન્સીને સૂચના; રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકારાયો
અરવલ્લી જિલ્લા કલેક્ટર મિલિન્દ બાપનાએ મોડાસા બસ સ્ટેન્ડની મુલાકાત લઈને બસ સ્ટેન્ડ ખાતેની સ્વચ્છતા, સફાઈ અને મુસાફરોને ઉપલબ્ધ કરાવવામાં આવતી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા અને સેનિટેશનની વ્યવસ્થા સુદૃઢ રાખવા તેમજ મુસાફરોને સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ મળી રહે તે સુનિશ્ચિત કરવા સંબંધિત અધિકારીઓ અને એજન્સીને જરૂરી સૂચનાઓ આપી હતી.
મુલાકાત દરમિયાન પે એન્ડ યુઝ શૌચાલયના ઉપયોગ માટે મુસાફરો પાસેથી નિયત દર કરતાં વધુ નાણાં વસૂલવામાં આવતા હોવાની બાબત ધ્યાને આવતાં કલેક્ટરએ આ અંગે ગંભીર નોંધ લીધી હતી. મુસાફરો પાસેથી નિયમ વિરુદ્ધ વધુ નાણાં વસૂલવાની બાબતને ધ્યાને રાખીને સંબંધિત એજન્સીને રૂ. ૧૦,૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો.વધુમાં, ભવિષ્યમાં આવી ગેરરીતિ ફરીથી જોવા મળશે તો સંબંધિત એજન્સી સામે કડક કાર્યવાહી કરી તેનો કોન્ટ્રાક્ટ રદ કરવા સહિતનાં પગલાં લેવામાં આવશે તેવી સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી.
કલેક્ટરએ બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા જાળવવા, શૌચાલયની નિયમિત સફાઈ કરવા અને મુસાફરો પાસેથી નિયત દર મુજબ જ ચાર્જ વસૂલવા પર ભાર મૂક્યો હતો. જાહેર સુવિધાઓનો ઉપયોગ કરતા નાગરિકોને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે અને તેમને યોગ્ય સેવાઓ મળે તે માટે સંબંધિત તંત્રને સતત દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી હતી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર સ્થળોએ સ્વચ્છતા, પારદર્શિતા અને નાગરિકલક્ષી સેવાઓ સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે.










