એહવાલ માધવ મકવાણા લીમખેડા 

લીમખેડા: દાહોદ જિલ્લાના લીમખેડા અને સીંગવડ તાલુકાને દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં સામેલ કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા લીમખેડા પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું.
આમ આદમી પાર્ટીએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરતાં માંગ કરી હતી કે લીમખેડા અને સીંગવડ તાલુકામાં વરસાદની સ્થિતિ, ખેતી પર થયેલી અસર, પાકના નુકસાન અને ખેડૂતોની આર્થિક મુશ્કેલીઓની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે. બંને તાલુકાની વાસ્તવિક પરિસ્થિતિનો સર્વે કરીને તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક ભલામણ કરવામાં આવે.
પક્ષ દ્વારા વધુમાં માંગ કરવામાં આવી હતી કે ખેડૂતો અને પશુપાલકોને પડતી મુશ્કેલીઓને ગંભીરતાથી લઈ સરકારના નિયમો મુજબ અસરગ્રસ્ત પરિવારોને રાહત સહાય, કૃષિ સહાય તથા જરૂરી અન્ય સરકારી લાભો સમયસર મળે તે માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે. માત્ર કાગળ પર કાર્યવાહી કરવાને બદલે સ્થળ પરની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોને વાસ્તવિક રાહત મળે તે સુનિશ્ચિત કરવામાં આવે.
આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વિધાનસભા ઇન્ચાર્જ શ્રી નરેશભાઈ પુનાભાઈ તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.
પક્ષે સ્પષ્ટ માંગ કરી હતી કે લીમખેડા અને સીંગવડ તાલુકાના ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપી તંત્ર આ રજૂઆતને ગંભીરતાથી લે અને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની પ્રક્રિયામાં વિલંબ કર્યા વિના યોગ્ય કાર્યવાહી કરે









