મજૂર પરિવારોને પોષણયુક્ત ભોજન અને આરોગ્ય સેવાઓનો લાભ: મુંજપુર ખાતે શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રોનો પ્રારંભ

માત્ર રૂ. ૫માં પૌષ્ટિક ભોજન અને ધન્વંતરી આરોગ્ય રથની સેવા: પાટણ જિલ્લામાં શ્રમિકો માટે વધુ ૧૦ અન્નપૂર્ણા કેન્દ્રો શરૂ
માહિતી બ્યુરો, પાટણ
તા. ૧૬/૧૦/૨૦૨૬
સમાચાર સંખ્યા: ૬૯૧/૪૭
બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને પોષણયુક્ત ભોજનની સાથે આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી રહે તેવા ઉમદા આશય સાથે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ મુંજપુર ખાતે નવા કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે માનનીય ધારાસભ્યશ્રી સુખાજી ઠાકોર (બેચરાજી) ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મુંજપુરના સરપંચશ્રી, શંખેશ્વર તાલુકાના તાલુકા પ્રમુખશ્રી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને માત્ર રૂ. ૫માં પોષણયુક્ત ભોજન પૂરું પાડવામાં આવે છે. આ ભોજનમાં રોટલી, શાકભાજી, દાળ, ભાત, અથાણું, મરચાં, ગોળ તથા અઠવાડિયામાં એક વખત સુખડી જેવી મીઠાઈનો સમાવેશ થાય છે. યોજનાનો મુખ્ય હેતુ શ્રમિકોને પૌષ્ટિક ભોજન ઉપલબ્ધ કરાવી તેમના જીવનધોરણમાં સુધારો લાવવાનો અને તેમના સ્વાસ્થ્યની જાળવણી કરવાનો છે.
શ્રમિકોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ દરમિયાન ધન્વંતરી આરોગ્ય રથની સેવાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ આરોગ્ય રથના માધ્યમથી શ્રમિકો અને તેમના પરિવારોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રમિકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા તથા ઉપલબ્ધ સરકારી આરોગ્ય સેવાઓનો લાભ લેવા અપીલ કરવામાં આવી હતી.
રાજ્યભરમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ૧૦૧ નવા કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં પાટણ જિલ્લાના ૧૦ કેન્દ્રોનો સમાવેશ થાય છે. આ પહેલથી બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારોને સસ્તા દરે પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ બનશે અને તેમની આર્થિક મુશ્કેલીઓ હળવી કરવામાં મદદ મળશે.
બાંધકામ શ્રમિકો ઇ-નિર્માણ કાર્ડ, કાર્ડ નંબર અથવા QR કોડ દર્શાવી યોજનાનો લાભ મેળવી શકે છે. જે શ્રમિકો પાસે કાર્ડ નથી, તેમના માટે પણ નિયમો અનુસાર કામચલાઉ નોંધણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. કાર્યક્રમના અંતે શ્રમિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ આરોગ્ય સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.











