રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના યોજનાના લાભાર્થી વિદ્યાર્થીઓને સહાયનું વિતરણ
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં જનસેવા, સુશાસન અને સમર્પણનાં ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદમાં રાજ્યકક્ષાનો શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો. શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા પ્રેરક ઉપસ્થિતિમાં રહ્યાં હતાં. આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક યોજનાઓના લાભાર્થી વિદ્યાર્થીઓને આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના અને મેરિટ શિષ્યવૃત્તિ સહિતની યોજનાઓના માધ્યમથી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે પ્રોત્સાહન પૂરું પાડવાની રાજ્ય સરકારની પહેલ પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ યોજનાઓનો મુખ્ય હેતુ આર્થિક પરિસ્થિતિને કારણે કોઈ પણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ન રહે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં આગળ વધવાની સમાન તકો મળે તેવો છે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનસેવા અને સુશાસનનાં મૂલ્યોને નવી દિશા મળી છે. સેવા સંકલ્પ અભિયાન વિદ્યાર્થીઓની પ્રતિભા, સર્જનાત્મકતા અને સંકલ્પશક્તિને પ્રોત્સાહન આપતું માધ્યમ બન્યું છે. રાજ્યની ૩૨,૯૦૬ પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ આ અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. શાળા અને જિલ્લા કક્ષાએ યોજાયેલી ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાઓમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈને પોતાની સર્જનાત્મકતા અને કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.
શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે વિવિધ શિષ્યવૃત્તિ યોજનાઓ દ્વારા આર્થિક સહાય પૂરી પાડે છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના અને મેરિટ શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ વિદ્યાર્થીઓને અભ્યાસ ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (ડીબીટી) પદ્ધતિ દ્વારા સહાયની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેના કારણે સહાય વિતરણની પ્રક્રિયામાં પારદર્શિતા અને સરળતા જળવાય છે.
તેમણે શિક્ષણના બદલાતા સ્વરૂપ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે વિજ્ઞાન, ટેક્નોલોજી અને કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં શિક્ષકોની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ બની છે. વિદ્યાર્થીઓને માત્ર માહિતી આપવી પૂરતી નથી, પરંતુ તેમનામાં જિજ્ઞાસા, તર્કશક્તિ, વિચારશક્તિ અને સર્જનાત્મકતા વિકસાવવી પણ એટલી જ જરૂરી છે. શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન મેળવવાનું સાધન નથી, પરંતુ જીવન ઘડતર અને માનવતાના મૂલ્યો કેળવવાનો માર્ગ છે. તેમણે વિદ્યાર્થીઓને વડાપ્રધાનના જીવન અને સંઘર્ષમાંથી પ્રેરણા લઈને મજબૂત સંકલ્પ સાથે વિકસિત ભારત-૨૦૪૭ના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત વૈશ્વિક સ્તરે વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યું છે, જેમાં શિક્ષણ અને યુવાશક્તિની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. રાજ્યકક્ષાની ચિત્ર, રંગોળી અને વક્તૃત્વ સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન તથા શૈક્ષણિક યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવાની સાથે તેમની પ્રતિભાને યોગ્ય મંચ પૂરું પાડે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા અને શૈક્ષણિક માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા માટે કરવામાં આવતા પ્રયાસોથી વિદ્યાર્થીઓને પ્રગતિની વધુ તકો મળી રહી છે. શિક્ષણ દ્વારા યુવાનોમાં જ્ઞાન, કૌશલ્ય અને જવાબદારીની ભાવના વિકસે છે. વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભા, મહેનત અને સમર્પણના આધારે દેશના વિકાસમાં યોગદાન આપે અને વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવામાં સહભાગી બને તે જરૂરી છે.
સમારોહમાં રાજ્યકક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શિષ્યવૃત્તિ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરીને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓની સિદ્ધિઓ, સર્જનાત્મકતા અને શૈક્ષણિક પ્રગતિને મહત્ત્વ આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ હસમુખભાઈ પટેલ અને દિનેશભાઈ મકવાણા, ધારાસભ્યો અમૂલભાઈ ભટ્ટ, દિનેશસિંહ કુશવાહ અને કૌશિકભાઈ જૈન, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.










