RAJKOT – રાજકોટ લૂંટ વિથ મર્ડર કેસ: પંચનામા વખતે આરોપીએ પોલીસ પર કર્યું ફાયરિંગ, વળતા જવાબમાં આરોપીના પગમાં ગોળી વાગી


રાજકોટમાં ચકચાર મચાવનારા લૂંટ વિથ મર્ડર કેસમાં તપાસ દરમિયાન એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઘટનાસ્થળે પંચનામું કરવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ અચાનક ફાયરિંગ કરી દેતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. પોલીસે સ્વબચાવમાં કરેલા વળતા ફાયરિંગમાં આરોપી ઈજાગ્રસ્ત થયો છે.
મળતી વિગતો અનુસાર, રાજકોટ પોલીસ લૂંટ વિથ મર્ડર કેસના આરોપી અનુરાગને ઘટનાસ્થળે ક્રાઈમ સીનનું પંચનામું કરાવવા માટે લઈ ગઈ હતી. આ દરમિયાન આરોપી અનુરાગે સ્થળ પર છુપાવી રાખેલું અન્ય એક હથિયાર અચાનક કાઢી પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

આરોપી દ્વારા અચાનક થયેલા હુમલાથી સાવચેત થઈ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ (PSI) વનરાજસિંહ ડોડીયાએ તાત્કાલિક સ્વબચાવમાં વળતું ફાયરિંગ કર્યું હતું. પોલીસના આ જવાબી ફાયરિંગમાં આરોપી અનુરાગના પગમાં ગોળી વાગતાં તે જમીન પર ઢળી પડ્યો હતો.ઈજાગ્રસ્ત આરોપીને પોલીસે તાત્કાલિક કાબૂમાં લઈ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ તેમજ હોસ્પિટલ પહોંચી ગયો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










