સોમનાથ રોડની શ્રીકૃષ્ણ નિવાસ આલીપોરિયા સોસાયટીમાં વહેલી સવારે ચોરીની ઘટના; બે અજાણ્યા ચોરો સામે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. શહેરના સોમનાથ રોડ પર આવેલી શ્રીકૃષ્ણ નિવાસ આલીપોરિયા સોસાયટીમાં તસ્કરોએ એક મકાનને નિશાન બનાવી સોનાના દાગીના, વિદેશી ચલણ અને રોકડ રકમની ચોરી કરી હતી. આ બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી છે.
પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, ૧૬ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ વહેલી સવારે બે અજાણ્યા શખ્સોએ ફરિયાદીના મકાનના મુખ્ય દરવાજાનું લોક કોઈ સાધન વડે તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ઘરના બેડરૂમમાંથી સોનાની ચેઇન, સોનાનું મંગળસૂત્ર, કેનેડિયન ડોલર સહિતની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ફરિયાદમાં જણાવ્યા મુજબ, તસ્કરો આશરે ત્રણ તોલાની સોનાની ચેઇન, બે તોલાનું સોનાનું મંગળસૂત્ર, અંદાજે ૨૦૦ કેનેડિયન ડોલર તથા રોકડ રકમ ચોરી કરી ગયા હતા. દસ્તાવેજમાં દર્શાવેલી વિગતો અનુસાર ચોરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે રૂ. 3,80.500 દર્શાવવામાં આવી છે. ઘટનાની જાણ થતાં બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ ૩૩૧(૪), ૩૦૫(એ) અને ૫૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં બે અજાણ્યા ચોરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. શહેરના રહેણાક વિસ્તારોમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ અટકાવવા રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને નાગરિકોએ પણ પોતાના ઘરની સુરક્ષા અંગે તકેદારી રાખવા જરૂરી બન્યું છે.









