મહિલાઓની જાતીય સતામણી અટકાવવા અને ફરિયાદ નિવારણ પ્રક્રિયા અંગે વિસ્તૃત સમજૂતી
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) જૂનાગઢ ખાતે ‘વિશાખા માર્ગદર્શિકા’ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્યસ્થળે મહિલાઓ માટે સુરક્ષિત, સન્માનજનક અને ભયમુક્ત વાતાવરણ તૈયાર કરવા તેમજ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે તાલીમાર્થીઓને માહિતગાર કરવાનો હતો.
સેમિનારમાં જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર કૃપા ખુંટ દ્વારા તાલીમાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં કાર્યસ્થળે મહિલાઓની સુરક્ષા, જાતીય સતામણી અટકાવવાના ઉપાયો, મહિલા અધિકારો, ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા તેમજ ફરિયાદ નિવારણ વ્યવસ્થા અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યસ્થળ પર પરસ્પર સન્માન, શિસ્ત અને સકારાત્મક વાતાવરણ જાળવવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
ભવિષ્યમાં વ્યવસાયિક ક્ષેત્રે પ્રવેશનારા તાલીમાર્થીઓમાં મહિલા સુરક્ષા અંગે સંવેદનશીલતા અને જવાબદારીની ભાવના કેળવાય તે હેતુથી યોજાયેલા આ સેમિનારમાં તાલીમાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર સ્થિત રોજગાર અને તાલીમ નિયામકની કચેરીની સૂચના મુજબ જૂનાગઢ ITIના આચાર્ય ભગીરથસિંહ જાળીયા અને આચાર્ય પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.









