છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નગરમાં નાગરિક સુવિધાઓમાં વધારો કરવાના હેતુથી ₹59 લાખથી વધુના ખર્ચે LED સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે, જેનો પ્રારંભ ધારાસભ્ય અભેસિંહભાઈ તડવીના હસ્તે કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં બોડેલી સેવા સદનથી સર્કિટ હાઉસ સુધી, પાણીની ટાંકીથી નગરપાલિકા ભવન સુધી તેમજ ગરબી ચોકથી પોલીસ સ્ટેશન સુધી આશરે 130 પોલ પર LED લાઈટો શરૂ કરવામાં આવી છે. નવી સ્ટ્રીટ લાઈટો શરૂ થતાં નગરના રસ્તાઓ રોશનીથી ઝળહળી ઊઠ્યા છે અને સાંજ તથા રાત્રિના સમયે અવરજવર કરતા નગરજનોને વધુ સારી પ્રકાશ સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પ્રસંગે બોડેલી નગરપાલિકાના પ્રમુખ, સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ તબક્કામાં LED લાઈટો શરૂ થતાં નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી. આગામી સમયમાં નગરના અન્ય વિસ્તારોમાં પણ આવી સુવિધાનો વિસ્તાર થાય અને શરૂ કરવામાં આવેલી લાઈટોની નિયમિત જાળવણી કરવામાં આવે તેવી નગરજનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.