વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ગુજરાતના શિક્ષણમંત્રીને સાદર… : ટેટ 1 પરીક્ષા માટે દશેરાના દિવસે ઘોડો દોડશે?
૦૦૦
રાજય પરીક્ષા બોર્ડ સજ્જ: શિક્ષણના પાયાના હિતમાં મૃદુ અને મક્કમ સરકાર વિજયાદશમીએ લીલી ઝંડી આપશે? તેના પર લાખ યુવા ઉમેદવારની નજર
૦૦૦
કચ્છના શિક્ષણ પર તોળાતું સંકટ: કાયમી વિદ્યાસહાયકની ભરતીમાં વહીવટી શિથિલતા અને કાનૂની ગૂંચવણો સામે જાગૃત નાગરિકોમાં ઘેરા પ્રત્યાઘાતો
મુંદરા, તા.૧૯ ઓક્ટોબર ૨૦૨૬:
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણના સ્તરને સુધારવા માટે એક તરફ સુપ્રીમ કોર્ટે ૨૦૨૮ સુધીમાં તમામ શિક્ષકો માટે ટેટ (ટીચર એલીજીબીલિટી ટેસ્ટ) પરીક્ષા પાસ કરવી ફરજિયાત બનાવી છે ત્યારે બીજી તરફ રાજ્યમાં વિદ્યાસહાયકોની કાયમી ભરતી પ્રક્રિયા વહીવટી ઉદાસીનતા અને જૂજ નાપાસ ઉમેદવારોના કોર્ટ કેસના કારણે વિલંબમાં પડતાં 7000 લાયક ઉમેદવારો અને લાખો વિદ્યાર્થીઓ અને તેના વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
૯૦,૦૦૦માંથી માત્ર ૧% થી ઓછા (૭૭૪) નાપાસ ઉમેદવારોના કારણે ભરતી પ્રક્રિયા ખોરવાઈ? :
સત્તાવાર આંકડાઓ મુજબ ડિસેમ્બર ૨૦૨૫ માં લેવાયેલી પરીક્ષામાં ૧ લાખથી વધુ ઉમેદવારો નોંધાયા હતા જેમાંથી ૧૧,૦૦૦ ઉમેદવારો કાયદેસર રીતે પાસ થયા હતા. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ પણ ઉદાર વલણ અપનાવીને શિક્ષણના હિતને ધ્યાને લઈ ૧૦ જેટલા વિવાદાસ્પદ પ્રશ્નોમાં સુધારો કરીને ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી. આમ છતાં ૯૦,૦૦૦ નાપાસ ઉમેદવારોમાંથી માત્ર ૭૭૪ (૧% થી પણ ઓછા) ઉમેદવારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. આ જૂજ ઉમેદવારોના કારણે કાયદેસર મેરિટમાં આવતા ૭,૦૦૦+ લાયક ઉમેદવારોની કાયમી ભરતી પ્રક્રિયા અટકી પડી છે.
કાયદાકીય તજજ્ઞોના મતે જો રહેમરાહે કોર્ટના આદેશથી અપેક્ષિત ૩ થી ૫ પ્રશ્નોના જવાબો સુધારવામાં આવે તો પણ આ નાપાસ ૮૧ કે તેથી ઓછા ગુણ મેળવનાર ઉમેદવારોના ગુણ વધીને ૮૫ આસપાસ થશે જે તેમને જનરલ કેટેગરી (૯૦ ગુણ) માટે લાયક બનાવશે નહીં. જો તેમને અનામત કેટેગરીમાં ભરતી કરવામાં આવશે તો અગાઉ પાસ થઈને બેઠેલા અન્ય ૩,૦૦૦+ અનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થશે અને તેઓ કેસ કરતા કાનૂની વિવાદોનું નવું ‘વિષચક્ર’ શરૂ થશે. ગત ૧૪ ઓક્ટોબરે નવા જજની બેન્ચ સમક્ષ થયેલી સુનાવણી બાદ હવે આગામી ૨૮ ઓક્ટોબરની તારીખ પડી છે ત્યારે સરકારી વકીલે પણ જજને આ વહીવટી વિસંગતતા અને સત્ય હકીકતો સાથે કોર્ટના કિંમતી સમયના વ્યય અંગે તથ્યો સાથે મજબૂત રજૂઆત કરવી અનિવાર્ય બની જશે.
“શિક્ષક કભી સાધારણ નહીં હોતા” – ગુણવત્તા સામે મોટો સવાલ :
ચાણક્યનું પ્રખ્યાત સૂત્ર છે કે “શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ.” ત્યારે સવાલ એ ઊભો થાય છે કે માત્ર કોર્ટ મેટરના સહારે જવાબોમાં સુધારા કરીને શોર્ટકટથી શિક્ષક બનનારા ઉમેદવારો કાલે વર્ગખંડમાં વિદ્યાર્થીઓ સામે ઊભા રહેશે ત્યારે તેમનું સ્વાભિમાન ક્યાં જશે? આવા શિક્ષકો ભવિષ્યમાં વિદ્યાર્થીઓને નૈતિક શિક્ષણ આપી શકશે? ખરેખર શાણા ઉમેદવારોએ હકીકત જાણયા બાદ કેસ પરત ખેંચીને નવી પરીક્ષાની તૈયારીમાં લાગી જવું જોઈએ.
કચ્છના બાળકોના શિક્ષણ સાથે અન્યાય સાથે ‘જ્ઞાન સહાયક’ નો હંગામી મલમ?
ભરતીના ત્રીજા તબક્કા બાદ પણ કચ્છ જેવા સરહદી જિલ્લામાં ૧,૦૦૦થી વધુ કાયમી શિક્ષકોની જગ્યાઓ ખાલી રહેવાની સંભાવના છે. અન્ય જિલ્લાના શિક્ષકો કચ્છમાં હાજર થઈને વતનની લાલચે બદલી કરાવી લે છે, જેના કારણે કચ્છને હંમેશાં મેરિટમાં છેલ્લા ક્રમે આવતા શિક્ષકો મળે છે અને સ્થાનિક બાળકોનો પાયો નબળો રહી જાય છે. સરકાર કાયમી ભરતી કરવાને બદલે ૧૧ માસના કરાર આધારિત ‘જ્ઞાન સહાયક’ યોજના અને તાજેતરમાં જાહેર કરેલા બદલી કેમ્પના પરિપત્રથી ગાડું ગબડાવવા માંગે છે એવું ચિત્ર ઉભું થાય છે. જ્ઞાન સહાયક એ કોઈ કાયમી ઉકેલ નથી, તેનાથી માત્ર ભ્રષ્ટાચાર અને શૈક્ષણિક અસ્થિરતા વધશે.
ગુજરાતના શિક્ષણમંત્રીને સાદર… : ટેટ 1 પરીક્ષા માટે દશેરાના દિવસે ઘોડો દોડશે?
એક લાખ વિદ્યાર્થીઓ પરીક્ષાના જાહેરનામાંની રાહ કોઈ રહ્યા છે.
કચ્છના શિક્ષણની ચિંતા કરતા શિક્ષણવિદો અને કેળવણીકારો સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે:
૧. સૌપ્રથમ કાયદેસર લાયક ઉમેદવારોને વિદ્યાસહાયક તરીકે તાત્કાલિક કાયમી નિમણુંક ઓર્ડર આપીને ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવે.
૨. ત્યારબાદ જ જિલ્લા બદલી કેમ્પ અને બાકી ખાલી રહેતી બેઠકો પર હંગામી વ્યવસ્થા જ્ઞાન સહાયક અંગે વિચારવામાં આવે.
૩. ૨૦૨૬ની બેચ નવા PTC/D.El.Ed પાસ ઉમેદવારો અને નોકરી કરતા જૂના શિક્ષકો તથા નાપાસ ઉમેદવારો સહિત એક લાખથી વધારે ભાવિ શિક્ષકો દશેરાના પવિત્ર દિવસે જ નવી ટેટ-1 પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવે એની રાહ જોઈ રહ્યા છે. જો સરકાર નવી પરીક્ષા જાહેર કરશે તો કોર્ટ મેટર કરનારા નાપાસ ઉમેદવારો પણ વિવાદો છોડી નવી પરીક્ષાની તૈયારીમાં લાગી જશે.
આરપારની લડાઈ – વડાપ્રધાન કચેરી (પીએમઓ) સુધી રજૂઆતની તૈયારી :
કચ્છના શિક્ષણ હિતેચ્છુઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર વહેલી તકે નવી ટેટ 1 પરીક્ષાની વહીવટી મંજૂરી નહીં આપે અને કાયમી વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા ઝડપી નહીં બનાવે તો ગુજરાતના ૭,૦૦૦થી વધુ મેરિટધારકોના હિતમાં સીધા જ મૂળ ગુજરાતી અને શિક્ષણ માટે સતત ચિંતિત તથા કચ્છ માટે કૂણી લાગણી ધરાવતા એવા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સમક્ષ આ ગંભીર વહીવટી ગોબાચારી અંગે રજૂઆત કરવામાં આવશે. તથા હાઈકોર્ટમાં જનહિતની અરજી (પીઆઈએલ) કરવાનું વિચારી રહ્યા છે અને બોર્ડ પરીક્ષા લેવા સજ્જ છે ત્યારે હવે માત્ર સરકારની રાજકીય ઈચ્છાશક્તિ (લીલીઝંડી)ની રાહ જોવાઈ રહી છે.
હાઈકોર્ટ આ તમામ પ્રક્રિયા પર ‘મનાઈહુકમ’ (સ્ટે) આપી શકે?
બંધારણના આર્ટિકલ 21A હેઠળ દરેક બાળકને ‘ગુણવત્તાયુક્ત’ શિક્ષણ (RTE)નો અધિકાર છે. વારંવાર શિક્ષકો બદલાવાથી કે શાળાઓ શિક્ષકવિહોણી બનવાથી કચ્છ જેવા સરહદી અને અંતરિયાળ વિસ્તારના બાળકોના મૂળભૂત અધિકારનું હનન થતું હોય અને કાયમી શિક્ષકની જગ્યાએ કરાર આધારિત જ્ઞાન સહાયકને ગણતરીમાં લઈ કાયમી શિક્ષકને છૂટા કરવાના વહીવટી દૃષ્ટિએ અતાર્કિક આદેશો કરી ભેદભાવપૂર્ણ નીતિ અપનાવવામાં આવે ત્યારે હાઈકોર્ટ આ સમગ્ર પ્રક્રિયા પર ‘સ્ટે’ (મનાઈહુકમ) આપી શકે છે અને સરકાર પાસે જવાબ પણ માંગી શકે છે કે કચ્છ જેવા પછાત જિલ્લામાં કાયમી શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે સરકાર પાસે શું ‘કાયમી એક્શન પ્લાન’ છે?
ગાંધીનગરમાં તજજ્ઞોની રજૂઆત બાદ ‘મૃદુ અને મક્કમ’ સરકાર પાસે આશાની કિરણ :
અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે ઉમેદવારોના હિતમાં ક્લાસીસ ચલાવતા તજજ્ઞ શિક્ષકો અને પ્રતિનિધિઓ દ્વારા ગત ૯ સપ્ટેમ્બર અને ૧૪ ઓક્ટોબરના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ સમક્ષ ટેટની પરીક્ષા યોજવા રૂબરૂ રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતોના જવાબમાં બોર્ડના સત્તાધિશોએ ખુદ સ્વીકાર્યું છે કે બોર્ડ દ્વારા પરીક્ષાનું માળખું અને પ્રશ્નપત્રો સહિતની તમામ વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે હવે માત્ર સરકારની લીલી ઝંડીની જ રાહ જોવાઈ રહી છે.
ગુજરાતની વર્તમાન સરકાર જે પોતાની સંવેદનશીલતા, મૃદુ અને મક્કમ વલણ તથા શિક્ષણના હિતમાં ઝડપી નિર્ણયો લેવા માટે જાણીતી છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની આગેવાની હેઠળ સરકાર દ્વારા દશેરાના શુભ દિવસે જો માત્ર પરીક્ષાનું જાહેરનામું બહાર પાડી દેવામાં આવે તો તેનાથી લાખો ઉમેદવારોમાં સકારાત્મક સંદેશ જશે અને સુપ્રીમ કોર્ટના આદેશ (વર્ષમાં બે વખત પરીક્ષા લેવી)ના અનાદર (કોર્ટ ઓફ કન્ટેમપટ)થી બચી શકાય જેથી કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય અને નીતિ આયોગ તરફથી સંભવિત લેવાનાર ગ્રાન્ટકાપ જેવા આકરા પગલાંથી પણ બચી શકાય.
વિજયાદશમી જેવા શુભ અને પવિત્ર દિવસે જ નાના બાળકોના શિક્ષણના પાયાના હિતમાં ન્યાયપૂર્ણ નિર્ણય કરી ટેટ – 1 પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી ગુજરાતના લાખો શિક્ષિત બેરોજગાર અને વાલીઓની પ્રબળ લોકમાંગ છે.
GyanSahayakpri_Adv_09092026 Draft Letter_to all DPEO-AO (32) 3rd_Round_cuttoff
વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com










