“રાજપારડી-નેત્રંગ રોડ અને ગટરની સમસ્યાને લઈને ધારાસભ્ય રિતેશ વસાવા એક્શનમાં! સ્થળ પર પહોંચી અધિકારીઓને આપી સૂચના”

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડીમાં રોડની કામગીરી, ગટર લાઈન અને ટ્રાફિકની સમસ્યાને લઈને સ્થાનિકોની રજૂઆત બાદ ધારાસભ્ય રિતેશ વસાવા એક્શનમાં જોવા મળ્યા હતા. ધારાસભ્યએ જાતે સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી નેત્રંગ તરફ જતા મુખ્ય માર્ગ પર હાલ રોડની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન ગટર લાઈનને લઈને સ્થાનિક સોસાયટીના રહીશોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાની રજૂઆત ધારાસભ્ય રિતેશ વસાવા સમક્ષ કરવામાં આવી હતી.સ્થાનિકોની રજૂઆતને ગંભીરતાથી લઈ ધારાસભ્ય રિતેશ વસાવાએ જાતે સ્થળ પર પહોંચી રોડ અને ગટર લાઈનની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન સ્થાનિક રહીશો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ અંગે માહિતી મેળવી હતી.ધારાસભ્યએ સ્થળ પર હાજર સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી સ્થાનિકોને પડતી મુશ્કેલીઓનું વહેલી તકે નિરાકરણ લાવવા જણાવ્યું હતું.બીજી તરફ, રાજપારડીના ડી.પી. શાહ વિદ્યામંદિર અને પાણી પ્રજ્ઞા પરબ શાળા વચ્ચે રોડની કામગીરીને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા પણ ચર્ચાનો વિષય બની હતી.
આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હજુ પણ યથાવત રહેતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.આ બાબતને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય રિતેશ વસાવાએ રાજપારડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને જાણ કરી ટ્રાફિકની સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.હવે જોવાનું એ રહેશે કે ધારાસભ્યની સૂચનાઓ બાદ રોડ, ગટર લાઈન અને ટ્રાફિકની સમસ્યાઓનું કેટલા સમયમાં નિરાકરણ આવે છે અને સ્થાનિક લોકોને ક્યારે રાહત મળે છે.
ઈરફાન ખત્રી
રાજપારડી

motionR;









