જુનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના મેંદપરા ગામ નજીક આવેલા મલ્હાર ફાર્મ એન્ડ રિસોર્ટ ખાતે ભેંસાણ તાલુકા લેઉવા પટેલ સમાજ દ્વારા નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રીના નવમા નોરતે આ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ભેંસાણ તાલુકાનાં 37 ગામો તેમજ જેતપુર, જુનાગઢ સહિત આસપાસનાં કુલ 60 ગામોના ખેલૈયાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. નવરાત્રીના અંતિમ નોરતે ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરાગત ગરબા અને રાસની રમઝટ સાથે સમગ્ર માહોલ ભક્તિમય અને રંગીન બની ગયો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સમાજ દ્વારા નિઃશુલ્ક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવતા ખેલૈયાઓ અને સમાજના લોકોમાં આનંદની લાગણી જોવા મળી હતી આ પ્રસંગે નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત મહેમાનોનું સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ધરાવતી શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ગરબામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ખેલૈયાઓને શિલ્ડ તેમજ અન્ય ખેલૈયાઓને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ રીતે ખેલૈયાઓને પ્રોત્સાહન આપી તેમની કલા અને ઉત્સાહને બિરદાવવામાં આવ્યો હતો.
નવમા નોરતાના આ કાર્યક્રમમાં જુનાગઢના મેયર ધર્મેશ પોશિયા, ભરત વેકરીયા, ડૉ. ચિંતન યાદવ તેમજ ભેંસાણનાં પી.આઈ. ફરીદા ગગનિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોના હસ્તે ખેલૈયાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










