જામજોધપુરના શેઠવડાળા ગામે મધમાખીઓના હુમલાથી 68 વર્ષીય ખેડૂતનું મૃત્યુ

વાડીમાંસોયાબીનનો પાક વાઢી રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીઓનું ઝુંડ ત્રાટક્યું : શરીરે અનેક ડંખ મારતાં ખેડૂતનું મોત
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૧: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે પોતાની વાડીમાં સોયાબીનનો પાક વાઢી રહેલા 68 વર્ષીય વૃદ્ધ ખેડૂત પર અચાનક મધમાખીઓએ હુમલો કરતાં તેમનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.આ બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે રહેતા અને ખેતીકામ કરતા અરવિંદભાઈ મગનભાઈ ડહાણીયા (ઉં.વ. 68) પોતાની વાડીમાં સોયાબીનનો પાક વાઢી રહ્યા હતા. તે દરમિયાન અચાનક મધમાખીઓનું ઝુંડ ઊડીને આવતાં તેમના શરીર પર ડંખ માર્યા હતા.મધમાખીઓના હુમલા બાદ ખેડૂતને સારવાર માટે જામજોધપુરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબે તપાસીને તેમને મૃત જાહેર કર્યા હતા.
આ બનાવ અંગેબી.એન.એસ.એસ.ની કલમ 194 મુજબ અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.










