વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષક કે. આર. ડિમરીના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ પ્રોજેક્ટ અંતર્ગત ગુમ થયેલા બે મોબાઈલ ફોન શોધી કાઢી તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, સાપુતારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ડાયરી એન્ટ્રી નંબર 09/2026ના કામે અરજદાર દેવરામભાઈ શંકરભાઈ ગાવીતનો વીવો કંપનીનો Y31 મોડેલનો મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. 16,000 હતી, તે તા. 12 સપ્ટેમ્બર, 2026ના રોજ શામગહાનથી બારીપાડા જવાના રસ્તા પર ક્યાંક પડી જતાં ગુમ થયો હતો.તેવી જ રીતે, સુરત જિલ્લાના કોસંબા પોસ્ટ વિસ્તારના તરસાડી ખાતે શંકરદીપ-02, હાઉસ નંબર 16માં રહેતા અરજદાર ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ તા. 12 સપ્ટેમ્બર, 2026ના રોજ સાપુતારા ખાતે ફરવા આવ્યા હતા. તે દરમિયાન સાપુતારા બોટિંગ પાસે તેમનો Motorola M70 Fusion 5G મોબાઈલ ફોન, જેની કિંમત રૂ. 29,999 હતી, તે ક્યાંક પડી જતાં ગુમ થયો હતો.બંને અરજદારોએ આ અંગે સાપુતારા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં સાપુતારા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે. કે. બારીયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. બી. પટેલની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની મદદથી બંને મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા.ત્યારબાદ કુલ રૂ. 45,999ની કિંમતના બંને મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યા હતા. આ રીતે સાપુતારા પોલીસની ટીમે ‘તેરા તુજકો અર્પણ’ પ્રોજેક્ટ અંતર્ગત સરાહનીય કામગીરી કરી પોલીસ પ્રજાની સેવા અને સુરક્ષા માટે સતત કાર્યરત હોવાનો સંદેશ આપ્યો છે..










