22 ઓકટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

બનાસકાંઠા જિલ્લામાં કુલ રૂ. ૨૩૩૯ લાખના ૬૯૩ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા કરાયું મંજૂર.આદિજાતિ વિસ્તારના વિકાસલક્ષી કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જરૂરી-મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેકટર કચેરી, સભાખંડ ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક મંડળના સભ્યો અને અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૬-૨૭ અંતર્ગત સદર બેઠકમાં સભ્યસચિવ અને પ્રાયોજના વહીવટદારશ્રી કીર્તન રાઠોડ દ્વારા ન્યુ ગુજરાત પેટર્ન યોજના તથા જિલ્લાની આદિજાતિ વસ્તી અને તેના આધારે થતી જોગવાઈ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૫/૨૬ માં તા.૦૮/૦૮/૨૦૨૫ ના રોજ યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં ન્યુ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૬-૨૭ ની આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ.૨૧૩૧.૦૩ લાખ અને છૂટાછવાયા આદિજાતિ વિસ્તારની સંભવિત જોગવાઈ રૂ.૨૦૮.૧૭ લાખ મળી કુલ રૂ. ૨૩૩૯.૨૦ લાખની સંભવિત જોગવાઈ સામે તાલુકાની તાલુકાવાર વસ્તી આધારિત જોગવાઈ મુજબ તાલુકા આદિજાતિ વિકાસ સમિતિ દ્વારા મંજૂર કરાઈ હતી. જેમાં ૩ તાલુકા હડાદ, દાંતા અને અમીરગઢના આદિજાતિ વિસ્તારના રૂ. ૨૧૩૧.૦૩ લાખના ૬૩૭ કામો મંજૂર કરાયા હતા. જેમાં દાંતા તાલુકા માટે ૫૩૨.૭૮ લાખના ૧૭૧ કામ, હડાદ તાલુકા માટે ૭૯૯.૧૪ લાખના ૨૩૩ કામ અને અમીરગઢ તાલુકાના ૭૯૯.૧૩ લાખના ૨૩૩ કામનો સમાવેશ થાય છે. આ સાથે છૂટાછવાયા આદિજાતિ વિસ્તારના ૬ તાલુકાના કુલ રૂ.૨૦૮.૧૭ લાખના ૫૬ કામો મળી કુલ રૂ.૨૩૩૯.૨૦ લાખના ૬૯૩ કામોનું આયોજન જિલ્લા આદિજાતિ વિકાસ મંડળ દ્વારા સર્વ સંમતિથી મંજૂર કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તમામ કામો સમયમર્યાદામાં અને સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કરવામાં આવે તે જરૂરી છે. આ સાથે વિવિધ કામોની ગ્રાન્ટ લેફ્સ ના થાય તેની તકેદારી રાખવા જણાવ્યું હતું. આ સાથે મંત્રીશ્રીએ આદિજાતિ વિસ્તારના લોકોની સુખાકારી માટે ગામની અંદર વિવિધ વિકાસલક્ષી કામ કરવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, દાંતા ધારાસભ્યશ્રી કાંતિભાઈ ખરાડી, જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત જિલ્લાના સબંધીત અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.













