MORBI:મોરબી જિલ્લામાં વિજયાદશમી પર્વે ૨૧ સ્થળોએ પરંપરાગત શસ્ત્ર પૂજન સંપન્ન: વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા ભવ્ય આયોજન

મોરબી:વિજયાદશમી એટલે કે દશેરાના પાવન પર્વ નિમિત્તે મોરબી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ દુર્ગાવાહિની/માતૃશક્તિ દ્વારા ભવ્ય અને પરંપરાગત શસ્ત્ર પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મોરબી જિલ્લામાં મોરબી પ્રખંડ, હળવદ પ્રખંડ તેમજ મોરબી ગ્રામ્ય સહિત કુલ ૨૧ સ્થળોએ આ કાર્યક્રમો યોજાયા હતા.

આ કાર્યક્રમો દરમિયાન શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનો દ્વારા ધર્મ, સંસ્કૃતિ, શૌર્ય અને રાષ્ટ્રભક્તિ પ્રત્યે પોતાની અડગ શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી.
ભારતીય સંસ્કૃતિમાં વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનનું સવિશેષ મહત્ત્વ રહેલું છે. આ પર્વ અધર્મ પર ધર્મ, અસત્ય પર સત્ય અને અન્યાય પર ન્યાયના વિજયનું પ્રતીક છે. ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામે લંકાપતિ રાવણ પર મેળવેલો વિજય આપણને સત્યના માર્ગે ચાલવા, સનાતન ધર્મનું રક્ષણ કરવા અને અધર્મ સામે અડગ ઊભા રહેવાની પ્રેરણા આપે છે.
આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુ પરંપરાઓનું જતન કરવું, યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, શૌર્ય અને ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવું તેમજ સમાજમાં સુદ્રઢ એકતા સ્થાપિત કરવાનો રહ્યો હતો. મોરબી જિલ્લાભરમાં યોજાયેલા આ કાર્યક્રમો દ્વારા સામાજિક સમરસતા, ધર્મરક્ષા અને દેશભક્તિના મૂલ્યો ઉજાગર થયા હતા.












