તા.22/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઈ કરપડાએ પત્ર લખી રવિપાકની વાવણી અને પશુપાલકો માટે ત્વરિત પાણી છોડવા ઉગ્ર માંગ કરી,

સુરેન્દ્રનગર: ઝાલાવાડ વિસ્તારમાં આ વર્ષે નહિવત અને અત્યંત ઓછો વરસાદ પડવાને કારણે તમામ જળાશયો અને તળાવો તળિયા ઝાટક થઈ ગયા છે. વર્તમાન સમયે ખેડૂતો માટે રવિપાકની વાવણીનો સમયગાળો ચાલી રહ્યો છે ત્યારે પિયત માટે પાણીની ભારે અછત સર્જાઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન રામકુભાઈ કરપડા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને સૌની યોજના પાઈપલાઈન મારફતે તાત્કાલિક પાણી છોડવા માટે ધારદાર રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, ચોટીલા, મૂળી અને થાનગઢ જેવા તાલુકાઓમાં સિંચાઈ માટે કોઈ પરંપરાગત કેનાલની વ્યવસ્થા નથી. આ વિસ્તારોના જળાશયો માત્ર ને માત્ર સૌની યોજનાની પાઈપલાઈન દ્વારા જ ભરી શકાય તેમ છે. ગત જૂન મહિના બાદ આ જળાશયોમાં પાણી ભરવામાં આવ્યું નથી અને છેલ્લા એક મહિનાથી સૌની યોજનાની પાઈપલાઈન પણ બંધ કરી દેવામાં આવી છે. હવામાન પર ‘અલ-નિનો’ની વિપરીત અસરને કારણે ચાલુ વર્ષે ઝાલાવાડના ખેડૂતોને વરસાદની મોટી ઘટ વેઠવી પડી છે, જેનાથી પાક ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. બીજી તરફ, રવિપાકની વાવણી માટે પાણી ન મળતા ખેડૂતોની ચિંતા બેવડાઈ છે. પાણી અને ઘાસચારાની અછતની સૌથી માઠી અસર પશુપાલન અને માલધારી સમાજ પર પડી છે. પશુઓ માટે પીવાનું પાણી અને ઘાસચારો વાવવા માટે પિયતનું પાણી ન હોવાથી માલધારીઓને પોતાના પશુધન સાથે ઝાલાવાડ છોડીને ગુજરાતના અન્ય જિલ્લાઓમાં હિજરત કરવાની નોબત આવી છે. કિસાન કોંગ્રેસની મુખ્ય માંગણીઓ જેમાં બંધ પડેલી સૌની યોજનાની પાઈપલાઈન તાત્કાલિક શરૂ કરી જિલ્લાના તમામ તાલુકાના તળાવો અને જળાશયો પાણીથી છલોછલ ભરવામાં આવે. રવિપાકની વાવણી માટે ખેડૂતોને પુરતા પ્રમાણમાં પિયતનું પાણી પૂરું પાડવામાં આવે. માલધારીઓ પોતાના પશુધન માટે ઘાસચારો વાવી શકે તે માટે ગ્રામ્ય સ્તરે પાણીનું સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવે, જેથી હિજરત અટકે. ઝાલાવાડના ખેડૂતો અને પશુપાલકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા ત્વરિત અને સંવેદનશીલ નિર્ણય લઈને સૌની યોજનાનું પાણી વહેલી તકે છોડવામાં આવે તેવી અપીલ કિસાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.








