બોર્ડની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમ મેળવનાર જામજોધપુરના સફાઇ કામદારની પુત્રી સાધના વાઢેરનું કલેક્ટરશ્રી પી.બી. પંડયાના હસ્તે બહુમાન કરાયું

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની પ્રોત્સાહક યોજના હેઠળ કલેક્ટર શ્રી પી.બી.પંડ્યા દ્વારા રૂ.૪૧,૦૦૦ ની ઇનામી સહાય અને પ્રશસ્તિપત્ર આપી વિદ્યાર્થીનીની શૈક્ષણિક સિદ્ધિને બિરદાવાઈ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા.૨૨, શિક્ષણ થકી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં જામનગર જિલ્લાના જામજોધપુર ગામના સફાઇ કામદાર રાજેશભાઈ વાઢેરની પુત્રી સુશ્રી સાધનાબેન વાઢેરે બોર્ડની ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૮૭.૭૧% ગુણ મેળવી સમગ્ર રાજ્ય સ્તરે દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લા તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે.આ તેજસ્વી સિદ્ધિ બદલ જામનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાના વરદહસ્તે વિદ્યાર્થીનીને રૂ. ૪૧,૦૦૦ ની પ્રોત્સાહક ઇનામી રકમ અને પ્રશસ્તિપત્ર એનાયત કરી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કલેક્ટરશ્રી પી.બી.પંડ્યાએ વિદ્યાર્થીની સાધનાબેનની આ વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિને બિરદાવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ, દીકરીના અભ્યાસમાં સતત પ્રોત્સાહન અને સહયોગ આપવા બદલ પિતા રાજેશભાઈ વાઢેરના પ્રેરણાદાયી યોગદાનને પણ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજ્યના સફાઈ કામદારો તેમજ તેમના આશ્રિત બાળકોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે ‘ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ’ દ્વારા વિશેષ પ્રોત્સાહક યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના અંતર્ગત ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ (esamajkalyan.gujarat.gov.in) મારફતે ઓનલાઈન અરજી કરનાર લાભાર્થીઓ પૈકી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય તથા વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષામાં સમગ્ર રાજ્ય કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઈનામ અને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવાની જોગવાઈ છે.
વર્ષ ૨૦૨૬ની બોર્ડ પરીક્ષાના પરિણામોના આધારે જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે એનાયત કરાતા આ પુરસ્કાર હેઠળ જામનગર જિલ્લામાંથી દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરનાર જામજોધપુરના સાધનાબેન વાઢેરને રૂ. ૪૧,૦૦૦ ની સહાય રકમ અને પ્રશસ્તિપત્ર એનાયત કરી તેમની સફળતાની સરાહના કરવામાં આવી હતી.











