વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના લાંબા સમયથી પડતર રહેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ સાથે રાજ્યવ્યાપી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.આ આંદોલનના ભાગરૂપે ડાંગ જિલ્લા વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા ઉત્તર ડાંગ અને દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક (DCF)ને આવેદનપત્ર પાઠવી પેનડાઉન, માસ સીએલ અને અનિશ્ચિતકાળની હડતાળનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.મંડળના જણાવ્યા અનુસાર, વનરક્ષક અને વનપાલ કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ નક્કર ઉકેલ આવ્યો નથી.ગત જુલાઈ મહિનાથી ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ સહિતના પ્રતીકાત્મક કાર્યક્રમો યોજવામાં આવ્યા હોવા છતાં માંગણીઓ સંતોષવામાં ન આવતાં હવે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાનો નિર્ણય લેવાયો છે.વનકર્મી મંડળે પોતાની મુખ્ય માંગણીઓમાં જોખમી પરિસ્થિતિઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને રિસ્ક એલાઉન્સ અથવા જાહેર સુરક્ષા ભથ્થું આપવાની માંગ કરી છે. આ ઉપરાંત રજા પગારની ગણતરી બેઝિક પગાર, મોંઘવારી ભથ્થું (DA) અને સંબંધિત ભથ્થાઓના આધારે કરવા તેમજ ૪૮ દિવસની મર્યાદા દૂર કરીને વાસ્તવમાં ફરજ બજાવેલા દિવસો મુજબ રજા પગાર ચૂકવવાની માંગ ઉઠાવવામાં આવી છે.મંડળે વનપાલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ખાલી જગ્યાઓ ફરી શરૂ કરવા, સંબંધિત મહેકમમાં વધારો કરી કર્મચારીઓના રેશિયોમાં સુધારો કરવા તથા વનપાલની સીધી ભરતી બંધ કરવા અંગે પણ રજૂઆત કરી છે. સાથે જ વનરક્ષક કર્મચારીઓના ગ્રેડ-પેમાં રહેલી વિસંગતતા દૂર કરવા અને વર્ષોથી પડતર જિલ્લા ફેરબદલીના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ લાવવાની માંગ કરવામાં આવી છે.ગુજરાત રાજ્ય વનરક્ષક કર્મચારી મંડળ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ આગામી દિવસોમાં તબક્કાવાર વિરોધ કરવામાં આવશે.૨૩ ઓક્ટોબર, ૨૦૨૬: તમામ ઓનલાઇન કામગીરી બંધ કરી વોટ્સએપ ગ્રૂપમાંથી બહાર નીકળવાનો કાર્યક્રમ.૨૬ ઓક્ટોબર, ૨૦૨૬: પેનડાઉન કાર્યક્રમ.૨૭ ઓક્ટોબર, ૨૦૨૬થી: માસ સીએલ (સામૂહિક કેઝ્યુઅલ લીવ.૨૮ ઓક્ટોબર, ૨૦૨૬થી: અનિશ્ચિતકાળની હડતાળ.વન અને વન્યજીવોની સુરક્ષા સામે કામગીરીને અસર થવાની ભીતિ.વનકર્મીઓની હડતાળને પગલે ડાંગ સહિત સમગ્ર ગુજરાતમાં વન સંરક્ષણ, વન સંવર્ધન અને વન્યજીવોની સુરક્ષા સંબંધિત કામગીરી પર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને વન વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લામાં વનકર્મીઓની કામગીરી મહત્વપૂર્ણ હોવાથી હડતાળ લાંબી ચાલે તો જંગલ અને વન્યસંપદાના રક્ષણની કામગીરી સામે પડકારો ઊભા થઈ શકે છે.લાંબા સમયથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતાં વનકર્મીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો હોવાનું મંડળે જણાવ્યું છે. હવે કર્મચારીઓની માંગણીઓ અંગે સરકાર અને સંબંધિત વન વિભાગ દ્વારા કેવો પ્રતિસાદ આપવામાં આવે છે અને હડતાળ ટાળવા માટે કોઈ સમાધાનકારી માર્ગ નીકળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.









