જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. ૭૧.૬૮ કરોડના વિકાસકામોને લગતી દરખાસ્તો પર નિર્ણય

રૂ. ૬૮ કરોડના વિકાસકામોને સૈદ્ધાંતિક સ્વીકાર : આરોગ્ય કેન્દ્રો માટે સાધનોની ખરીદી અને રસ્તાના કામોને મંજૂરી
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૨૨ : જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે ચેરમેન ધીરેન્દ્રકુમાર પી. મોનાણીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. જેમાં શહેરના વિકાસકામો, આરોગ્ય સુવિધાઓ, રસ્તા, સફાઈ વ્યવસ્થા અને અન્ય વહીવટી બાબતોને લગતી વિવિધ દરખાસ્તો અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં કુલ રૂ. ૭૧.૬૮ કરોડના અંદાજિત ખર્ચની મંજૂરી દર્શાવવામાં આવી છે.
બેઠકમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન શહેરના આઉટર ગ્રોથ વિસ્તારોમાં વિકાસકામો હાથ ધરવા માટે રૂ. ૬૮ કરોડના કામોને સૈદ્ધાંતિક સ્વીકાર આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત શહેરના ત્રણ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર (UCHC) માટે આશરે રૂ. ૧.૮૮ કરોડના ખર્ચે વિવિધ સાધનો ખરીદવા તથા રૂ. ૧૪.૬૪ લાખના ખર્ચે ઓટોમેટિક બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર મશીનો ખરીદવા અંગેની દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી.શહેરના ગુલાબનગર ઓવરબ્રિજથી પંચવટી સુધીના ટી.પી./ડી.પી. રોડને લગતી દરખાસ્તોને સૈદ્ધાંતિક સ્વીકાર આપવામાં આવ્યો હતો. તેમજ નોર્થ, વેસ્ટ, સાઉથ અને ઇસ્ટ ઝોનના વિવિધ વોર્ડમાં રસ્તાના સમારકામ અને મેટલ, મોરમ તથા ગ્રિટ પાથરવાના કામોને મંજૂરી અપાઈ હતી.
સીવીલ ઇસ્ટ ઝોનના વોર્ડ નં. ૧૨ અને ૧૩માં આવેલાં જર્જરિત મકાનોનું ડિમોલિશન કરી તેમાંથી નીકળતા ભંગારના વેચાણથી કુલ રૂ. ૪.૫૦ લાખની આવક થવાનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો.મહાનગરપાલિકાના મુખ્ય વહીવટી ભવન ખાતે સુરક્ષા વ્યવસ્થા માટે એક્સ આર્મીમેન ગાર્ડ, મહિલા ગાર્ડ તથા એનિમલ બર્થ કંટ્રોલ માટેની સેવાઓ પાછળ રૂ. ૧૧.૧૨ લાખના ખર્ચની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.બીજી તરફ ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીના વાર્ષિક ખર્ચની દરખાસ્ત તેમજ મધુરમનગર વિસ્તારમાં સી.સી. રોડ બનાવવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. સોલિડ વેસ્ટમેનેજમેન્ટબાયલોઝ-૨૦૨૬ને સામાન્ય સભા સમક્ષ મૂકવાનો પણ નિર્ણય લેવાયો હતો.
બેઠકમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, મ્યુનિસિપલ કમિશનર દિપેશ કેડિયા સહિતના અધિકારીઓ અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.











