વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં માર્ગ સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે પંચાયત માર્ગ અને મકાન વિભાગ, આહવા-ડાંગ દ્વારા રૂ. ૨૪.૮૧ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલના હસ્તે કુલ ૧૫ રસ્તા-બ્રિજનાં કામો તથા આહવા તાલુકા પંચાયતના નવા ભવન સહિત કુલ ૧૬ વિકાસ પ્રકલ્પોની શરૂઆત કરાઈ હતી.
આ પૈકી વઘઈ તાલુકામાં ૧૦ કામો માટે રૂ. ૧૨.૨૩ કરોડ અને આહવા તાલુકામાં ૬ કામો માટે રૂ. ૧૨.૫૮ કરોડના વિકાસકાર્યો હાથ ધરાશે. આહવા તાલુકા પંચાયતનું નવું ભવન રૂ. ૪.૯૧ કરોડના ખર્ચે બનાવવામાં આવશે.
આ પ્રસંગે વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુણવત્તાયુક્ત રસ્તા અને પુલોના નિર્માણથી અંતરિયાળ ગામોની કનેક્ટિવિટી મજબૂત બનશે તેમજ વિદ્યાર્થીઓ, ખેડૂતો, વેપારીઓ અને વાહનચાલકોને સુવિધા મળશે. પ્રવાસન અને પરિવહનને પણ વેગ મળશે.
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, પાકા રસ્તાઓના વિસ્તરણથી ૧૦૮ જેવી ઇમરજન્સી સેવાઓ છેવાડાનાં ગામો સુધી સરળતાથી પહોંચી શકશે. તેમણે પીવાના પાણીની સમસ્યાના ઉકેલ માટે તાપી આધારિત રૂ. ૮૬૬ કરોડની પાણી પુરવઠા યોજનાના આયોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો.
સાંસદ ધવલભાઈ પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, અધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, સરપંચો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.









