વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ
ખેરગામ તાલુકામાં શનિવાર, તા. 24 ઓક્ટોબર, 2026ના રોજ પંચાયત માર્ગ અને મકાન પેટાવિભાગ, ચીખલી અંતર્ગત અંદાજિત રૂ. 8 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ (176-ગણદેવી વિધાનસભા) તથા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નિરાલીબેન નાયકના હસ્તે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત ખેરગામ તાલુકામાં રસ્તાઓ, કોઝવે, આંગણવાડી, સ્મશાનભૂમિ ખાતે ગેસ આધારિત સગડી અને શેડ, રેસ્ટ હાઉસનું બાંધકામ તેમજ ખેરગામ ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગ સહિતનાં વિવિધ વિકાસકામોનો સમાવેશ થાય છે. અંદાજિત રૂપિયા 8 કરોડના ખર્ચે થનારા આ કામોથી તાલુકામાં માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે અને સ્થાનિક નાગરિકોને લાભ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.વિવિધ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે આગેવાનો ઉપસ્થિત આ કાર્યક્રમ દરમિયાન ખેરગામ તાલુકા પંચાયતનાં પ્રમુખ હંસાબેન પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, સંગઠનના આગેવાનો તેમજ ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત વિધિ સાથે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
એક જ ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું ત્રણ વખત ખાતમુહૂર્ત!
ખેરગામ ગ્રામ પંચાયતની નવી બિલ્ડિંગના ખાતમુહૂર્તને લઈને ત્રણ અલગ-અલગ પ્રસંગોની વિગતો સામે આવતાં આ બાબત ચર્ચાનો વિષય બની છે.
પ્રથમ વખત: તા. 01 જાન્યુઆરી, 2026ના રોજ ખેરગામના દાદરી ફળિયા ખાતે આવેલા અંબા માતાના મંદિર પાસે કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
બીજી વખત: ત્યારબાદ ખેરગામ ગ્રામ પંચાયતનાં સરપંચ શ્રીમતી ઝરણાબેન પટેલના હસ્તે પણ આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ત્રીજી વખત: તા. 24 ઓક્ટોબર, 2026ના રોજ ફરી એકવાર કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે ખેરગામ ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આમ, એક જ ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું ત્રણ વખત ખાતમુહૂર્ત થયાની બાબત સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની છે. વિકાસકામોનું ખાતમુહૂર્ત થવું આવકારદાયક છે, પરંતુ વારંવાર ખાતમુહૂર્ત થવા પાછળનાં કારણો શું છે અને અગાઉના ખાતમુહૂર્ત બાદ બાંધકામની કામગીરી કેટલી આગળ વધી હતી, તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે.ખેરગામ તાલુકામાં અંદાજિત રૂ. 8 કરોડનાં વિકાસકામો જાહેર થવા વચ્ચે ગ્રામ પંચાયતની બિલ્ડિંગના વારંવાર ખાતમુહૂર્તનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. હવે આ કામ સમયમર્યાદામાં પૂર્ણ થાય અને નાગરિકોને તેનો લાભ મળે તે જરૂરી છે









