નિષ્ણાત તબીબોની ટીમે આરોગ્ય તપાસ સાથે દવાઓ અને તબીબી પરામર્શ આપ્યાં; પ્રથમ ૧૦૦ દર્દીઓને વિનામૂલ્યે ચશ્માંનું વિતરણ


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
માનવસેવા અને સામાજિક ઉત્તરદાયિત્વના ઉમદા હેતુ સાથે લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ દ્વારા ધરમપુર તાલુકાના ગુંદીયા ગામની પ્રાથમિક શાળા તથા સાડદવેરા ગામની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે ભવ્ય મેગા મેડિકલ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાયજ્ઞમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, દર્દીઓ અને વિદ્યાર્થિનીઓએ ભાગ લઈ નિઃશુલ્ક તબીબી સેવાઓનો લાભ લીધો હતો.
ગ્રામીણ અને જરૂરિયાતમંદ પરિવારોને તેમના વિસ્તારમાં જ નિષ્ણાત તબીબોની સેવાઓ મળી રહે તેવા હેતુથી યોજાયેલા આ કેમ્પમાં વિવિધ રોગોની તપાસ, તબીબી માર્ગદર્શન, નિઃશુલ્ક દવાઓ અને પરામર્શની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. અનુભવી તબીબોની ટીમે દર્દીઓની તપાસ કરીને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કેમ્પમાં ડો. જિજ્ઞા ગરાસિયા, ડો. દિલીપભાઈ વલ્લરી, ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો. રિતેશ પટેલ, ગોલ્ડ મેડલિસ્ટ જનરલ સર્જન ડો. નીરવ ભુલાભાઈ પટેલ, આંખના નિષ્ણાત ડો. ઉષાબેન હેરાન્જલ, પેથોલોજિસ્ટ ડો. નીતિન પટેલ, ડો. પ્રજ્ઞેશ પાનેરીયા તથા ડેન્ટિસ્ટ ડો. કૃણાલ ચૌધરી સહિતના તબીબી નિષ્ણાતો અને આરોગ્યકર્મીઓએ સેવાઓ આપી હતી.
કેમ્પમાં વિવિધ પ્રકારની આરોગ્ય તપાસ સાથે દર્દીઓને તેમની તકલીફો અંગે સમજણ આપવામાં આવી હતી. જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પૂરી પાડવામાં આવી હતી, જ્યારે તબીબોએ આરોગ્યની જાળવણી અને યોગ્ય સારવાર અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ કેમ્પની વિશેષ પહેલરૂપે શરૂઆતમાં આવેલા પ્રથમ ૧૦૦ દર્દીઓને લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ દ્વારા આંખના નંબરનાં ચશ્માં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યાં હતાં. આ પહેલથી આંખની દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ ધરાવતા દર્દીઓને રાહત મળી હતી. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને આંખ સહિતની વિવિધ આરોગ્ય સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થતાં કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો
આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લના પ્રમુખ લાયન પ્રેમલ ચૌહાણ, સેક્રેટરી લાયન ડો. જિજ્ઞા ગરાસિયા, ખજાનચી લાયન ભારત દેસાઈ, શાંતિલાલભાઈ સહિત ક્લબના સભ્યોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ ઉપરાંત ફાર્માસિસ્ટ હેત પટેલ, વિદ્યાસેતુના આશરે ૨૦ અનાથ બાળકોના પાલક પરેશ પરમાર તથા સ્થાનિક અગ્રણીઓ શાંતુભાઈ ગાંવિત, મુકેશ જાદવ, સુભાષ વેંજલ, અજય મોંડીયા, દયા માહલા, શરદ ભોયા, રોહિત શાનકર, હરેશ વાઘેરા અને મહેશભાઈ ગાંવિત સહિતના કાર્યકરોએ કેમ્પના આયોજન અને વ્યવસ્થામાં ભારે જહેમત ઉઠાવી હતી
કેમ્પમાં સારવાર અને માર્ગદર્શનનો લાભ મેળવનાર ગ્રામજનોએ આયોજકો તથા તબીબી ટીમની સેવાભાવનાને બિરદાવી હતી. કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ પણ તબીબો અને આયોજકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. નાનકડી બાળાઓએ લાગણીસભર શબ્દોમાં તબીબોને ફરી આવવા વિનંતી કરતાં તેમને ભાવપૂર્વક વિદાય આપી હતી.
લાયન્સ ક્લબ ઓફ પારડી પર્લ દ્વારા આયોજિત આ મેગા મેડિકલ કેમ્પે ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવાની સાથે માનવતા, સેવાભાવ અને સામાજિક જવાબદારીનો સુંદર સંદેશ આપ્યો હતો. જરૂરિયાતમંદ લોકો સુધી નિઃશુલ્ક સારવાર અને આરોગ્ય માર્ગદર્શન પહોંચાડવાની આ પહેલ સ્થાનિક લોકો માટે ઉપયોગી બની રહી હતી.








