વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે ખોડિયાર માતાના તેરસે ભવ્ય રાસગરબાની રમઝટ
ભાજપના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ



વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ના પિલવાઈ ગામ ખાતે આઈ શ્રી ખોડિયાર માતાના તેરસના પાવન પર્વ નિમિત્તે ભવ્ય રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિના માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોડી રાત સુધી યુવકોએ રાસગરબાની રમઝટ બોલાવી હતી. માતાજીના ભક્તો રાસગરબાના તાલે ઝૂમી ઊઠતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું.
આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ જાડેજા, ગાંધીનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ કિરપાલસિંહ તથા પૂર્વ જિલ્લા સભ્ય કનકસિંહ વિહોલ સહિતના રાજકીય અગ્રણીઓ અને મહાનુભાવોએ ખાસ ઉપસ્થિતિ નોંધાવી માતાજીનાં દર્શન કર્યા હતાં.
ખોડિયાર માતાના તેરસ નિમિત્તે યોજાયેલા આ ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. પરંપરાગત રાસગરબા અને ભક્તિભાવ સાથે ઉજવાયેલા આ પર્વને પગલે પિલવાઈ ગામમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ધાર્મિક પરંપરા અને લોકસંસ્કૃતિના સંગમ સમાન આ કાર્યક્રમમાં ભક્તોએ માતાજી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.









