તા.25/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર: મૂળી તાલુકાના વડધ્રા ચોકડી નજીક એક અત્યંત સંવેદનશીલ અને પ્રશંસનીય ઘટના સામે આવી છે. વડધ્રા ચોકડી પાસે આવેલ પાણીના પાંચ ફૂટ ઊંડા અવાડામાં અકસ્માતે એક આખલો ખાબક્યો હતો. સાંજના આશરે ૭:૩૦ વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં સ્થાનિક વેપારીની ત્વરિત સૂઝબૂઝ અને ગૌસેવકોની સાહસિક કામગીરીના કારણે આખલાને સક્ષમ રીતે ઉગારી લેવામાં આવ્યો છે. દાબેલીના વેપારીની જાગૃતિથી જીવ બચ્યો બનાવની વિગત અનુસાર, વડધ્રા ચોકડી નજીક દાબેલીની દુકાન ધરાવતા ગઢવીભાઈ સાંજના સમયે પાણી ભરવા માટે અવાડા પાસે ગયા હતા. આ સમયે તેમણે અવાડામાંથી અવાજ સાંભળતા અંદર નજર કરી તો પાંચ ફૂટ ઊંડા અવાડામાં ફસાયેલા નંદી મહારાજ તરફ તેમનું ધ્યાન ગયું. અવાડામાં પાણી હોવાથી આખલો બહાર નીકળી શકતો નહોતો અને અંધારું થવા આવ્યું હોવાથી સ્થિતિ ગંભીર બની હતી. ગઢવીભાઈએ ક્ષણનો પણ વિલંબ કર્યા વગર તુરંત જ સ્થાનિક ગૌસેવકોનો સંપર્ક કર્યો હતો. ઘટનાની જાણ થતાં જ જાણીતા ગૌસેવક દેવાભાઈ ભરવાડ તથા દીપકસિંહ ઝાલા તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અવાડાની ઊંડાઈ અને આખલાનું વજન જોતાં સાધારણ રીતે બહાર કાઢવું અશક્ય જણાતાં ગૌસેવકોએ સમય સૂચકતા વાપરી ત્વરિત JCB લોડરની વ્યવસ્થા કરી હતી. આ બાદ દેવાભાઈ ભરવાડ, દીપકસિંહ ઝાલા અને ગઢવીભાઈ પોતે જીવના જોખમે પાંચ ફૂટ ઊંડા અવાડામાં ઊતર્યા હતા. ભારે મશક્કત અને જહેમત બાદ નંદી મહારાજને સુરક્ષિત રીતે બાંધીને JCB લોડરની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સફળ રેસ્ક્યુ ઓપરેશન બાદ ગૌસેવકોની ત્વરિત કામગીરી અને માનવતાપૂર્ણ અભિગમની સમગ્ર મૂળી અને વડધ્રા પંથકમાં ભારે સરાહના થઈ રહી છે. સ્થાનિક નાગરિકોએ તમામ ગૌસેવકો અને વેપારી ગઢવીભાઈની સજાગતાને બિરદાવી હતી.









