તા.25/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર



સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણકી ગામના બોર્ડ પાસે સત્તાવાર મંજૂરી કે સુરક્ષાના સાધનો વિના ચાલતા શંકાસ્પદ બાયોડીઝલ પંપ પર લીંબડી ડિવિઝન પોલીસે દરોડો પાડી રૂ. ૩૬,૮૦૦ ની કિંમતના ૪૦૦ લીટર જ્વલનશીલ પ્રવાહી સાથે એક ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર અને જોખમી રીતે વહેંચાતા પેટ્રોલ, ડીઝલ તેમજ બાયોડીઝલ જેવા જ્વલનશીલ પ્રવાહીના વેચાણ પર રોક લગાવવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા સખત સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાના ભાગરૂપે લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વી. એમ. રબારીને મળેલી ચોક્કસ બાતમીના આધારે સાયલા પોલીસ મથકના સ્ટાફે રાજકોટ- અમદાવાદ નેશનલ હાઈવે પર આવેલી એક જગ્યા પર સફળ દરોડો પાડ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજકોટથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર સાયલા તાલુકાના વણકી ગામના બોર્ડ પાસે, શાપર ગામની સીમ સર્વે નં. ૮૩ પૈકી ૧ ની જમીનમાં “INDIZEL MEE MY ECO ENERGY” નામનો ફ્યુઅલ પંપ ધમધમી રહ્યો હતો. પોલીસે સ્થળ પર જઈ તપાસ કરતા આ પંપ પર સરકારની કોઈપણ પ્રકારની મંજૂરી કે આધાર-પુરાવા વગર ગેરકાયદેસર રીતે બાયોડીઝલ કે તેવું જ્વલનશીલ ફ્યુઅલ વેચાણ માટે સંગ્રહ કરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું હતું. આ પંપ પર આગ કે અકસ્માત ટાળવા માટેના કોઈપણ પ્રકારના ફાયર સેફટી કે સુરક્ષાના સાધનો લગાવવામાં આવ્યા નહોતા. માનવ જિંદગીને ગંભીર જોખમમાં મૂકીને નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહનોમાં ખુલ્લેઆમ આ જ્વલનશીલ પ્રવાહી ભરી આપી તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ ફ્યુઅલ પંપ પ્રભાતભાઈ દિનેશભાઈ પરમાર રહે. આટકોટ વતી જયંતીભાઈ છગનભાઈ શિયાળ રહે. વીરનગર, તા. જસદણ દ્વારા ચલાવવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસે સ્થળ પરથી માનવ જીવન માટે જોખમી એવું શંકાસ્પદ બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહી અંદાજે ૪૦૦ લીટર, જેની કિંમત રૂ. ૩૬,૮૦૦ થાય છે, તે જપ્ત કર્યું છે. પોલીસે જપ્ત કરેલા જ્વલનશીલ પ્રવાહીના સેમ્પલ મેળવીને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની તજવીજ હાથ ધરી છે. આ ઉપરાંત, ગેરકાયદેસર રીતે ધમધમતા “INDIZEL MEE MY ECO ENERGY” નામના આ ફ્યુઅલ પંપને સીલ કરી દેવામાં આવ્યો છે અને સંચાલકો સામે કાયદેસરની ધોરણસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.








