નર્મદા: રાષ્ટ્રીય એકતા દિવસ-૨૦૨૬ની નેશનલ મોટરસાઇકલ રેલીનું નર્મદા જિલ્લામાં ભવ્ય સ્વાગત

રાજપીપલા : જુનેદ ખત્રી
‘રાષ્ટ્રીય એકતા દિવસ 2026’ ઉજવણીના ભાગરૂપે નેશનલ મોટરસાઇકલ રેલી નર્મદા જિલ્લામાં આવી પહોંચતા જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ સહિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેલીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ રેલીમાં દેશનાં વિવિધ રાજ્યોના પોલીસ વિભાગના જવાનો સહભાગી બન્યા છે. રેલીમાં જોડાયેલા બિહાર પોલીસ વિભાગના વિજયકુમારે જણાવ્યું હતું કે, તેઓ તા. ૧૪ ઓક્ટોબરથી આ રેલીમાં જોડાયા છે અને રેલીના માધ્યમથી દેશના વિવિધ વિસ્તારોમાં જનજાગૃતિ ફેલાવી રહ્યા છે. તા. ૩૧ ઓક્ટોબરના રોજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં તેઓ સહભાગી બનશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ નેશનલ મોટરસાઇકલ રેલીમાં દેશનાં વિવિધ રાજ્યોના પોલીસ વિભાગના જવાનો જોડાયા છે. વિવિધ રાજ્યોમાંથી આવેલા પોલીસકર્મીઓ દ્વારા ‘Say No to Drugs, Say Yes to Life’ એટલે કે ‘નશાને કહો ના, જીવનને કહો હા’ના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાન અંતર્ગત વિવિધ શાળાઓ અને કોલેજોમાં જઈને વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત અને નશામુક્ત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવામાં યોગદાન આપવાનો તેમજ સમાજને નશાની બદીથી મુક્ત કરવા માટે જનભાગીદારી વધારવાનો છે.
નર્મદા જિલ્લામાં રેલીના આગમન સમયે કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગત બદલ શ્રી વિજયકુમારે જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. આ રેલી રાષ્ટ્રીય એકતા, સામાજિક જાગૃતિ અને નશામુક્ત ભારતના સંદેશને વધુ વ્યાપક બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.








