“બાળકોની સુરક્ષા સર્વોપરી છે, તો પછી શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે આવે તેમાં વાંધો શા માટે?” — પારદર્શક શિક્ષણ વ્યવસ્થાની ડો. નીરવ પટેલે કરી માગ


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાતમાં શાળાઓની સુરક્ષા, શિક્ષણની ગુણવત્તા અને પારદર્શક વહીવટને લઈને નવી ચર્ચા ઊભી થઈ છે. શાળાઓમાં પ્રવેશ કરીને ત્યાંની સ્થિતિનું રેકોર્ડિંગ કરવા અને તેને જાહેર કરવા અંગે પ્રતિબંધાત્મક સૂચનાઓ હોવાની ચર્ચા વચ્ચે ડો. નીરવ ભુલાભાઈ પટેલે ગુજરાત સરકાર સમક્ષ સવાલો ઉઠાવ્યા છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે તેમનો વિરોધ શિક્ષકો કે શિક્ષણ વ્યવસ્થા સામે નહીં, પરંતુ શિક્ષણ ક્ષેત્રની ખામીઓ ઉજાગર કરનાર લોકોને ડરાવવાની માનસિકતા સામે છે.
સમસ્ત આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતના કન્વીનર — ડો. ડો. નીરવ ભુલાભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યની કેટલીક શાળાઓમાં જર્જરિત ઇમારતો, બાળકોની સુરક્ષા અને પાયાની સુવિધાઓ જેવા મુદ્દાઓ પર ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. જો કોઈ શાળામાં છતના પોપડા તૂટી પડે, બાળકને ઈજા થાય, મધ્યાહન ભોજનથી ફૂડ પોઈઝનિંગની ઘટના બને અથવા આગ જેવી કટોકટી સર્જાય, તો આવી પરિસ્થિતિમાં બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને જવાબદાર તંત્ર સુધી હકીકત પહોંચાડવી સૌથી મહત્ત્વની બાબત છે.
તેમણે સવાલ કર્યો કે જો શાળાઓની સ્થિતિ ઉજાગર કરનારા લોકો કાયદાકીય કાર્યવાહીથી ડરશે, તો શાળાઓમાં રહેલી ખામીઓ સામે કેવી રીતે આવશે? બાળકોની સુરક્ષાને લગતી સમસ્યાઓનો સમયસર ઉકેલ કેવી રીતે આવશે? સરકારનો હેતુ જો શિક્ષણ વ્યવસ્થામાં સુધારો લાવવાનો હોય, તો ખામીઓ દર્શાવનારને નિરુત્સાહિત કરવાને બદલે ફરિયાદો અને પુરાવાઓની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ.
શિક્ષકોને બિનશૈક્ષણિક કામગીરીમાંથી મુક્ત કરો
ડો. પટેલે શિક્ષકોની કામગીરી અંગે પણ મહત્ત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, શિક્ષકોને શિક્ષણ સિવાયની વિવિધ કામગીરી સોંપવાને બદલે તેમને મુખ્યત્વે શિક્ષણકાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક આપવી જોઈએ. શિક્ષકોને યોગ્ય સુવિધાઓ અને અનુકૂળ વાતાવરણ મળશે તો જ બાળકોના અભ્યાસ અને સર્વાંગી વિકાસને વધુ સારી રીતે પ્રોત્સાહન મળી શકશે.
શાળાઓમાં સીસીટીવી અને પારદર્શક વ્યવસ્થાની માગ
બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમણે શાળાઓમાં યોગ્ય સ્થળોએ સીસીટીવી કેમેરા સહિતની સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવાની માગ કરી હતી. સાથે જ વાલીઓ શાળામાં પોતાના બાળકોની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા અંગે વિશ્વસનીય માહિતી મેળવી શકે તેવી પારદર્શક વ્યવસ્થા વિકસાવવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. આ વ્યવસ્થા બાળકોની ગોપનીયતા અને લાગુ પડતા નિયમોનું પાલન કરીને અમલમાં મૂકવી જોઈએ.
“ખામીઓ છુપાવવાને બદલે વિશ્વસ્તરીય શાળાઓ બનાવો”
ડો. નીરવ ભુલાભાઈ પટેલે ગુજરાત સરકારને અપીલ કરતાં જણાવ્યું કે શાળાઓની વાસ્તવિક સ્થિતિ સામે આવતી અટકાવવાને બદલે રાજ્યમાં વિશ્વસ્તરીય સુવિધાઓ ધરાવતી શાળાઓનું નિર્માણ કરવામાં આવે. એવી શાળાઓ બનાવવામાં આવે જ્યાં સુરક્ષિત ઇમારતો, સ્વચ્છતા, ગુણવત્તાયુક્ત શિક્ષણ, પૂરતી સુવિધાઓ અને જવાબદાર વહીવટ જોવા મળે તથા અન્ય રાજ્યો અને વિદેશના લોકો પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાંથી પ્રેરણા લઈ શકે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં રહેલી ખામીઓને દબાવવાને બદલે તેને ઓળખીને દૂર કરવી જોઈએ. બાળકોને સુરક્ષિત વાતાવરણ, શિક્ષકોને શિક્ષણકાર્ય માટે અનુકૂળ પરિસ્થિતિ અને વાલીઓને વિશ્વાસ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવી એ જ સાચા અર્થમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ તરફનું પગલું છે. હવે સવાલ એ છે કે શાળાઓની સુરક્ષા અને શિક્ષણની ગુણવત્તા અંગે ઉઠતા પ્રશ્નોના ઉકેલ માટે સરકાર કયા નક્કર પગલાં ભરે છે?








