જામનગરમાં પરિવારથી વિખૂટા પડેલા છ વર્ષના બાળકનો ચાર કલાકની શોધખોળ બાદ પોલીસે પરિવાર સાથે મિલાપ કરાવ્યો

રણમલ તળાવ પાસે એકલું મળી આવેલું બાળક પોલીસને સોંપાયું; શંકરટેકરીમાં રહેતા પિતાને શોધી બાળકને હેમખેમ સોંપ્યું, પરિવારજનોએ પોલીસનો આભાર માન્યો
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા.૨૬ : જામનગર શહેરમાં પરિવારથી વિખૂટા પડી ગયેલા છ વર્ષના બાળકને સિટી ‘એ’ ડિવિઝન પોલીસે ચાર કલાકની શોધખોળ બાદ તેના પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. રણમલ તળાવ પાસે એકલા મળી આવેલા બાળકને પોલીસે પોતાની સંભાળમાં લઈ તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી અને અંતે તેના પિતાને શોધી બાળકને હેમખેમ સોંપ્યું હતું.
સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને રણમલ તળાવ પાસે છ વર્ષનું બાળક એકલું મળી આવ્યું હોવાની જાણ થતાં પોલીસ ટીમે બાળકને પોતાની પાસે રાખી આસપાસની સોસાયટીઓ અને વિસ્તારોમાં તપાસ શરૂ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ. ડોડીયા અને સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. રામાનુજના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં બાળકની ઓળખ શંકરટેકરી વિસ્તારમાં નવી નિશાળ નજીક રહેતા ગ્યાસુદ્દીન અબ્બાસ અંસારીના છ વર્ષના પુત્ર કૈયાન તરીકે થઈ હતી. બાળક રમતાં-રમતાં પરિવારથી વિખૂટું પડી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પિતાને શોધી બાળકને સોંપતાં પરિવારજનોએ પોલીસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.











