TANKARA:ટંકારાના વીરપર નજીક હાઈવે પર દોડતી કારમાં અચાનક ભીષણ આગ: ચાલકનો આબાદ બચાવ, ટ્રાફિક જામ


ટંકારા તાલુકાના વીરપર ગામ નજીક હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. ચાલુ વાહને અચાનક આગ લાગતા થોડીવાર માટે હાઈવે પર ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે, કારમાં સવાર વ્યક્તિ સમયસૂચકતા વાપરીને સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો, જેના પગલે મોટી જાનહાનિ ટળી હતી.

આગની જાણ થતાં ટંકારા પોલીસ દોડી આવી ઘટનાને પગલે સુરક્ષાના ભાગરૂપે હાઈવેનો એક તરફનો રસ્તો તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યો હતો, જેના કારણે બીજી તરફના માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આગ લાગ્યાના આશરે અડધા કલાક જેટલા સમય બાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.












