ફલુ ગામના ગેટ નજીક જુપિટરની ડેકીમાંથી વિદેશી દારૂની ૨૭ બોટલ-ટીન મળી આવ્યા
મહેસાણા એલસીબીની કાર્યવાહી : રૂ. ૮,૨૬૪નો દારૂ અને રૂ. ૫૦ હજારનું વાહન કબજે, બે શખ્સો સામે ગુનો નોંધાયો
વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલસીબી) પોલીસ વિજાપુર ના લાડોલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલી બાતમીના આધારે વિજાપુર તાલુકાના ફલું ગામમાં જવાના ગેટ નજીક થી જુપિટર વાહનની ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો અને વાહન સહિત કુલ રૂ. ૫૮,૨૬૪નો મુદ્દામાલ કબજે કરી બે શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહેસાણા એલસીબીની ટીમ વિજાપુર તાલુકાના લાડોલ પોલીસ મથક વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન ફલું ગામના બસ સ્ટેન્ડ નજીક પોલીસને બાતમી મળી હતી કે નરેન્દ્રસિંહ ઉર્ફે નંદુ ગુંસિંહ રાઠોડ (રહે. ફલું, તા. વિજાપુર, જિ. મહેસાણા) ગામમાં જવાના ગેટ નજીક માણસ મારફતે જુપિટર વાહન પર વિદેશી દારૂનું વેચાણ કરાવે છે.
આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી ફલું ગામના ગેટ નજીક તપાસ હાથ ધરી હતી. જ્યાં એક શખ્સ જુપિટર વાહન સાથે ઊભેલો મળી આવ્યો હતો. પંચોની હાજરીમાં પૂછપરછ કરતાં તેનું નામ આઝાદસિંહ મખનસિંહ રાઠોડ રહે. રાઠોડવાસ, ફલું નો જણાવ્યું હતુ
પોલીસે વાહનની ડેકીની તપાસ કરતાં કિંગફિશર બિયરના ૧૦ ટીન, મેજિક મોમેન્ટ વોડકાની ઓરેન્જ ફ્લેવરની સાત બોટલ, ગ્રીન એપલ ફ્લેવરની ત્રણ બોટલ અને રોયલ ચેલેન્જ વ્હિસ્કીની સાત બોટલ મળી આવી હતી. આમ, કુલ ૨૭ બોટલ-ટીન, આશરે ૮.૦૬ લિટર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ દારૂની કિંમત રૂ. ૮,૨૬૪ અને જુપિટર વાહનની કિંમત રૂ. ૫૦,૦૦૦ ગણી કુલ રૂ. ૫૮,૨૬૪નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૂના જથ્થા અંગે આઝાદસિંહની પૂછપરછ કરતાં તેણે દારૂ અને જુપિટર વાહન નરેન્દ્રસિંહ ઉર્ફે નંદુનું હોવાનું જણાવ્યું હતું. દારૂના વેચાણના બદલામાં રૂ. ૬,૦૦૦ મળતા હોવાનું કબુલ્યું હતુ. જોકે, દરોડા દરમિયાન નરેન્દ્રસિંહ ઉર્ફે નંદુ સ્થળ પર હાજર મળી આવ્યો નહોતો.
આ મામલે પોલીસે નરેન્દ્રસિંહ ઉર્ફે નંદુ ગુંસિંહ રાઠોડ અને આઝાદસિંહ મખનસિંહ રાઠોડ સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ), ૧૧૬(બી) અને ૮૧ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










