અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : માઝૂમ કેનાલનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ, 250 હેક્ટર વિસ્તારમાં વાવેતર માટે પાણીની માંગ – કેનાલ સફાઈની ગ્રાન્ટો ક્યાં ગઈ..?

મોડાસા: અરવલ્લી જિલ્લામાં રવિ સિઝન દરમિયાન ખેતી માટે માઝૂમ કેનાલ મારફતે પાણી ન મળતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મોડાસા તાલુકાના શિકાકંપા ગામના ખેડૂતોએ અંદાજે 250 હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરવા માટે કેનાલ મારફતે તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે મોડાસા ખાતે માઝૂમ જળાશય યોજનાના નાયબ કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરી હતી.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, એક માસ અગાઉ પણ પાણી છોડવા અંગે રજૂઆત કરવામાં આવી હતી, તેમ છતાં હજુ સુધી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું નથી. રવિ સિઝનમાં સમયસર વાવેતર થઈ શકે તે માટે કેનાલની સફાઈ કરાવી વહેલી તકે પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ખેડૂતોએ જણાવ્યું હતું કે રવિ સિઝન દરમિયાન પાકનું વાવેતર કરવા માટે સિંચાઈનું પાણી અનિવાર્ય છે. જો સમયસર પાણી નહીં મળે તો વાવેતર પર અસર થવાની ભીતિ છે. જેથી સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.બીજી તરફ, સિંચાઈ વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, માઝૂમ કેનાલની સફાઈ માટે ટેન્ડર બહાર પાડી એજન્સીને કામ સોંપવામાં આવ્યું હોવા છતાં એજન્સીએ હજુ સુધી કામગીરી શરૂ કરી નથી. એજન્સીને ત્રણ વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં કામ શરૂ ન થતાં સ્થિતિ ઊભી થઈ ખેડૂતોની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા કરીને ખેડૂતોને પાણી પૂરું પાડવા માટે બાંહેધરી આપી હોવાનું જાણવા મળ્યું છે. હવે વિભાગ દ્વારા ક્યારે પાણી છોડવામાં આવે છે અને ખેડૂતોને રવિ સિઝનના વાવેતર માટે સમયસર પાણી મળે છે કે નહીં, તેના પર સૌની નજર છે
કેનાલ સફાઈ ની કામગીરી ને લઈ આમ જનતામાં અનેક સવાલો ઊભા થયા છે દરવર્ષે એ કેનાલ સફાઈ માટે સરકાર ધ્વારા ગ્રાન્ટ ફાળવવામાં તેમજ મેન્ટેન્સ માટે પણ ગ્રાન્ટ ફાળવવામા આવતી હોય છે છતાં કેટલીક કેનાલો આજે પણ જારીઝાંખરા થી ઢંકાઈ છે સમયસર કેનાલ સાફ થતી નથી ત્યારે હવે કેનાલો ક્યારે સાફ થશે તે જોવું રહ્યું









