રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
તારીખ: 29/10/2026
અમદાવાદ/જૂનાગઢ/ગાંધીનગર
આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યના વનરક્ષક અને વનપાલ સહિત વન વિભાગના વિવિધ સંવર્ગના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો વહેલી તકે ઉકેલ લાવવા મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે. વનકર્મીઓની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓ અંગે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેમજ કર્મચારીઓના સંગઠન સાથે તાત્કાલિક બેઠક યોજીને તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ તેમણે કરી છે.
ગોપાલ ઇટાલિયાએ પત્રમાં જણાવ્યું છે કે રાજ્યના જંગલો, વન્યજીવો અને કુદરતી પર્યાવરણના સંરક્ષણની મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવતા વન વિભાગના કર્મચારીઓ અનેક પડકારો વચ્ચે પોતાની ફરજ બજાવે છે. જંગલ વિસ્તારોમાં હિંસક પ્રાણીઓ અને ઝેરી જીવજંતુઓના જોખમ વચ્ચે કામ કરવા ઉપરાંત, મોબાઇલ નેટવર્કની સુવિધા ન હોય તેવા વિસ્તારોમાં પરિવારથી દૂર રહીને પણ તેઓ પોતાની ફરજ નિભાવે છે. આમ છતાં, તેમની લાંબા સમયથી પડતર રહેલી માંગણીઓનો ઉકેલ ન આવવો અને આ મુદ્દે સરકાર દ્વારા અસરકારક સંવાદ ન થવો એ ચિંતાજનક બાબત હોવાનું તેમણે પત્રમાં જણાવ્યું છે.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે વન વિભાગના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સંતોષકારક ઉકેલ આવ્યો નથી. પરિણામે, કર્મચારીઓએ માસ સીએલ (સામૂહિક રજા) અને અનિશ્ચિત મુદતની હડતાળ જેવા આંદોલનાત્મક પગલાં લેવાની ફરજ પડી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કર્મચારીઓના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવાને બદલે પરિસ્થિતિ વધુ વણસે તે પહેલાં સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવું જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી છે.
વનકર્મીઓની મુખ્ય માંગણીઓમાં જોખમી પરિસ્થિતિમાં ફરજ બજાવતા કર્મચારીઓને રિસ્ક અલાઉન્સ (જોખમ ભથ્થું) આપવું, રજાના પગાર સાથે સંબંધિત ભથ્થાં ચૂકવવાં, વનપાલ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસરની જગ્યાઓનું મહેકમ વધારવું તેમજ વિવિધ સંવર્ગના કર્મચારીઓના ગ્રેડ-પેમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવાનો સમાવેશ થાય છે. આ માંગણીઓ લાંબા સમયથી પડતર હોવાથી કર્મચારીઓમાં અસંતોષ ઊભો થયો હોવાનું પણ પત્રમાં રજૂ કરવામાં આવ્યું છે.
વન વિભાગના કર્મચારીઓ જંગલોનું સંરક્ષણ, વન્યજીવોની સુરક્ષા અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આવી જવાબદારીઓ નિભાવતા કર્મચારીઓને તેમની ફરજ અને જોખમને અનુરૂપ સુવિધાઓ, યોગ્ય ભથ્થાં તથા પૂરતું મહેકમ મળે તે જરૂરી છે. આથી, કર્મચારીઓની માંગણીઓ અંગે યોગ્ય નીતિગત નિર્ણય લેવામાં આવે અને વહીવટી સ્તરે રહેલી વિસંગતતાઓ દૂર કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મુખ્યમંત્રીને અપીલ કરી છે કે વનકર્મીઓના પ્રશ્નોનો ઝડપી અને વ્યવહારુ ઉકેલ લાવવા માટે સરકાર વિલંબ કર્યા વિના વનકર્મી સંગઠનના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજે. બેઠક દરમિયાન તમામ પડતર માંગણીઓ અંગે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવે, જેથી કર્મચારીઓનો અસંતોષ દૂર થાય અને વન વિભાગની કામગીરી પર તેની પ્રતિકૂળ અસર ન પડે.
હવે વનકર્મીઓની પડતર માંગણીઓ અંગે સરકાર ક્યારે બેઠક યોજે છે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે કેવો નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે.










