TANKARA:ટંકારા ભૂતકોટડા પાસે પૂરઝડપે આવતી કારે મોપેડ સવાર મહિલાને લીધી હડફેટ

ટંકારાના ભૂતકોટડા ગામના પાટીયા પાસે રોડ ક્રોસ કરી રહેલા મોપેડ સવાર મહિલાને પૂરઝડપે આવતી સ્વિફ્ટ કારના ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહિલાને માથામાં હેમરેજ તેમજ પગમાં ગંભીર ફ્રેક્ચર જેવી ઇજાઓ થતાં તેમને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલના આઈ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારાના ગાયત્રીનગરમાં રહેતા રાહુલભાઈ લાલજીભાઈ દુબરીયાએ ટંકારા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૨૬ ઓક્ટોબરના રોજ સવારના સુમારે તેમની ૫૩ વર્ષીય માતા કંચનબેન દુબરીયા પોતાના હીરો માઇસ્ટ્રો મોપેડ (રજી.નં. જીજે-૩૬-સી-૬૭૯૪) લઈને ભૂતકોટડા ગામના ઢાળિયાથી હરિપર તરફનો રજ ક્રોસ કરી રહ્યાં હતાં.
તે દરમિયાન મોરબી તરફથી રાજકોટ તરફ પુરઝડપે અને બેફામ ગતિએ આવી રહેલી સફેદ રંગની સ્વિફ્ટ કાર (રજી.નં. જીજે-૨૨-એ-૭૪૭૭) ના ચાલકે મોપેડને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કંચનબેન મોપેડ સાથે રોડ ઉપર ફંગોળાઈને પટકાયાં હતાં.
આ અકસ્માતમાં કંચનબેનને માથાના ભાગે ગંભીર હેમરેજ થયું હતું, તેમજ પગમાં ગંભીર ફ્રેક્ચર અને શરીરના અન્ય ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક વાહન મૂકી નાસી છૂટ્યો હતો કે કેમ તે અંગે પોલીસે તપાસ આદરી છે. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબિયત ગંભીર હોવાનું જણાઈ રહ્યું છે અને આઈ.સી.યુ.માં સારવાર હેઠળ છે.
બનાવ અંગે પુત્ર રાહુલભાઈ દુબરીયાની ફરિયાદના આધારે ટંકારા પોલીસે નાસી છૂટેલા સ્વિફ્ટ કાર ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વ્હીકલ એક્ટ (MV Act) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ હાથ ધરી છે.













