WAKANER:વાંકાનેરમાં ‘કેમ સામું જોવે છે’ કહીને યુવક અને તેની માતા પર ઈંટ વડે હુમલો; પોલીસ ફરિયાદ નોંધાઈ
વાંકાનેર શહેરના આંબેડકરનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી થતાં એક શખ્સે યુવકને માથામાં ઈંટ મારી ઇજા પહોંચાડી હતી. આ હુમલામાં પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકે સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તા. ૨૮ ઓક્ટોબરની રાત્રે આશરે દસ વાગ્યાના અરસામાં આંબેડકરનગર શેરી નં. ૫ માં રહેતા કાર્તિકભાઈ અશોકભાઈ મકવાણા (ઉં.વ. ૨૮) પોતાના ઘર પાસે આવેલી ઇલોરા પાનની દુકાન નજીક ઊભા હતા. આ દરમિયાન ત્યાં આવેલા આરોપી ભાવીન ઉર્ફે પિન્ટુ વિક્રમભાઈ ચાવડાએ (રહે. આંબેડકરનગર રોયલ પાર્ક) કાર્તિકભાઈ સાથે ‘કેમ સામું જોવે છે’ તે બાબતે બોલાચાલી શરૂ કરી ઉશ્કેરાઈ ગયો હતો.
બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ નજીકમાં પડેલી ઈંટ વડે કાર્તિકભાઈના માથાના ભાગે જીવલેણ પ્રહાર કરી ઝપાઝપી કરી હતી. આ મારામારીનો દેકારો સાંભળીને કાર્તિકભાઈના માતા ભાવનાબેન પોતાના પુત્રને છોડાવવા વચ્ચે પડ્યાં હતા. જોકે, રોષે ભરાયેલા આરોપીએ તેમની સાથે પણ ઝપાઝપી કરી ઈંટ વડે હાથ-પગ તેમજ શરીરે મકામ મારી ઇજાઓ પહોંચાડી હતી.
આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા માતા-પુત્રને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે આરોપી ભાવીન ઉર્ફે પિન્ટુ ચાવડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સબંધિત કલમો તથા જીપી એક્ટની જોગવાઈઓ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.













