MORBI:મોરબીના બેલા(રં)ની સીમમાં ટ્રકમાંથી રૂ. ૧૮.૧૬ લાખનો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

૯૨૪ બોટલ દારૂ અને ૨,૬૧૬ બિયરના ટીન જપ્ત: ધ્રાંગધ્રાનો પ્રતીક સોલંકી ઝડપાયો, ટ્રકમાલિક ધ્રુવ પરમાર અંધારાનો લાભ લઈને ફરાર
મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી હાથ ધરી બેલા (રંગપર) ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર સામે દરોડો પાડીને વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ભરેલો એક મહિન્દ્રા ટ્રક ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ, બિયર, ટ્રક અને મોબાઈલ સહિત કુલ રૂ. ૧૮,૧૬,૩૯૬/- નો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની અટકાયત કરી છે, જ્યારે ટ્રકમાલિક અંધારાનો લાભ લઈને નાસી છૂટવામાં સફળ થયો હતો.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે બેલા રંગપર ગામની સીમમાં ખોખરા હનુમાન મંદિર સામે ખુલ્લી જગ્યામાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરમિયાન મહિન્દ્રા ટ્રક (નં. GJ-25-U-8411) ની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ ૯૨૪ બોટલ (કિંમત રૂ. ૮,૮૩,૩૯૬/-) અને બિયરના ૨,૬૧૬ ટીન (કિંમત રૂ. ૩,૨૭,૦૦૦/-) મળી આવ્યા હતા.
પોલીસે દારૂ-બિયરના આ જથ્થા ઉપરાંત રૂ. ૧૦ લાખની કિંમતનો ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૮,૧૬,૩૯૬/- નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસની આ રેડ દરમિયાન ઘટનાસ્થળે હાજર બે શખ્સો પૈકી મુખ્ય આરોપી અને ટ્રકનો માલિક ધ્રુવભાઈ પરમાર (રહે. મોરબી) અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. જ્યારે પોલીસે ધ્રાંગધ્રાના ખરાવળ હરિપર રોડ (જી. સુરેન્દ્રનગર) ખાતે રહેતા પ્રતીકભાઈ જીવાભાઈ સોલંકી (ઉં.વ. ૩૦) ને ઝડપી લીધો હતો.
પકડાયેલા આરોપીની પૂછતાછમાં ખુલાસો થયો છે કે ફરાર થયેલો આરોપી ધ્રુવ પરમાર આ ટ્રકનો માલિક છે અને આ વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે લાવવામાં આવ્યો હતો. હાલ મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓ તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.













