વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

સમસ્ત આદિવાસી સમાજની રજૂઆતને પગલે સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના અપાઈ
ગુજરાત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ મેળવતા અનુસૂચિત જનજાતિ (ST) કેટેગરીના આદિવાસી વિદ્યાર્થીઓને M.Phil અને Ph.D. અભ્યાસક્રમો માટે અનુસૂચિત જાતિ (SC) અને SEBC વર્ગના વિદ્યાર્થીઓની જેમ સ્કોલરશીપ તથા માસિક સ્ટાઇપેન્ડની સહાય પૂરી પાડવા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને મહત્વપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે.
સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના કન્વીનર ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અને સંશોધન ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકાર સમક્ષ વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, હાલમાં SC અને OBC/SEBC વર્ગના વિદ્યાર્થીઓને M.Phil અને Ph.D. જેવા ઉચ્ચ અભ્યાસક્રમો માટે વિશેષ સ્કોલરશીપ અને માસિક સ્ટાઇપેન્ડની આર્થિક સહાય આપવામાં આવે છે, પરંતુ ST વર્ગના વિદ્યાર્થીઓ માટે આવી સમાન સહાયની વ્યવસ્થા ઉપલબ્ધ નથી.
આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે આદિવાસી સમાજના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગળ વધી શકતા નથી તેમજ આર્થિક મુશ્કેલીઓને કારણે અભ્યાસ અધવચ્ચે છોડી દેવાની સ્થિતિ ઊભી થાય છે. આ અસમાનતા દૂર કરી આદિવાસી વિદ્યાર્થીઓને પણ સમાન શૈક્ષણિક તકો મળે તે માટે રજૂઆતમાં નવી યોજના શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી.
આ રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે યોગ્ય અને સત્વરે નિર્ણય લેવા માટે સત્તાવાર સૂચના મોકલવામાં આવી છે.
મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા લેવાયેલા આ પગલાને આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે આગળ વધવાના પ્રયાસો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. હવે સરકાર દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓના હિતમાં સ્કોલરશીપ અને માસિક સ્ટાઇપેન્ડની સમાન સહાય અંગે વહેલી તકે સકારાત્મક નિર્ણય લેવામાં આવે તેવી આદિવાસી સમાજમાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.










