રિપોર્ટર . કાદિર દાઢી.હાલોલ

તા.૩૦.૧૦.૨૦૨૬
હાલોલ તાલુકાના મારુવા પેટે પાંચતાડ ગામે જી.આઈ.ડી.સી.માં ગયેલી જમીનના વળતરના પૈસા બાબતે થયેલી તકરારમાં 80 વર્ષીય વૃદ્ધની હત્યા કરવામાં આવી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે હાલોલ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો અનુસાર, પાંચતાડ ગામે રહેતા ૮૦ વર્ષીય ડાભયભાઈ હિંમતભાઈ પરમાર સાથે તેમના કુટુંબી ભાઈ પ્રભાતભાઈ બાબુભાઈ પરમારે સવારના સમયે જી.આઈ.ડી.સી.માં ગયેલ જમીનના બીજા હપ્તાના પૈસા બાબતે બોલાચાલી કરી હતી. તે સમયે આરોપી પ્રભાતભાઈએ “તું આજે ખેતરમાં આવીશ એટલે તને મારી નાખીશ” તેવી ધમકી આપી હતી.બપોરના સમયે વૃદ્ધ ઘરેથી ખેતર તરફ ગયા બાદ પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન તાડવાળા ખેતરમાં પ્રભાતભાઈના છાપરા પાસે રોડની બાજુમાં ડાભયભાઈ લોહીલુહાણ હાલતમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમના માથાના પાછળના ભાગે તથા જમણા હાથના બાવળા પર કોઈ હથિયાર વડે ગંભીર ઈજાઓ પહોંચાડી હત્યા નિપજાવવામાં આવી હોવાનું જણાયું હતું.ઘટનાની જાણ થતાં પરિવારે ૧૧૨ નંબર પર જાણ કરી હતી, જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃતકના પુત્ર અરવિંદભાઈ ડાભયભાઈ પરમારની ફરિયાદના આધારે હાલોલ રૂરલ પોલીસે આરોપી પ્રભાતભાઈ બાબુભાઈ પરમાર સામે ગુનો દાખલ કર્યો છે.બનાવ બાદ આરોપી પોતાના ઘરે તાળું મારી ફરાર થઈ જતાં પોલીસે તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.











