તા.૩૦.૧૦.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીના વાણીયા ઘાટી જંગલ વિસ્તારમાં કૂવામાં પડ્યો દીપડો, ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી હાથ ધરાઈ
શિકારની શોધમાં નીકળેલો દીપડો રાત્રિના સમયે કૂવામાં ખાબક્યો હોવાની આશંકા; વહેલી સવારે અવાજ આવતાં સ્થાનિકોને જાણ થઈ, દીપડાને સુરક્ષિત બહાર કાઢવા વન વિભાગની ટીમ સક્રિય સંજેલી તાલુકાના વાણીયા ઘાટી જંગલ વિસ્તારમાં જંગલની નજીક આવેલા એક કૂવામાં રાત્રિના સમયે શિકારની શોધમાં નીકળેલો દીપડો પડી જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વહેલી સવારે સ્થાનિક રહીશોને કૂવામાંથી કંઈક અવાજ સંભળાતાં તપાસ કરતાં અંદર દીપડો હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સંજેલી વન વિભાગની ટીમ સહિત દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો સ્થળ પર દોડી આવ્યા હતા અને દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ, વાણીયા ઘાટી જંગલ વિસ્તારની નજીક આવેલા ખેતર વિસ્તારમાંથી વહેલી સવારે સ્થાનિક ખેડૂતો પસાર થઈ રહ્યા હતા. દરમિયાન કૂવામાંથી અવાજ સંભળાતાં તેમણે અંદર નજર કરતાં દીપડો કૂવામાં પડેલો જોવા મળ્યો હતો. આ વાત વાયુવેગે આસપાસના ગામોમાં ફેલાતાં દીપડાને જોવા માટે લોકોનાં ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યાં હતાં.બનાવની જાણ સંજેલી ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતાં વન વિભાગના અધિકારીઓ અને રોજમદારોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારબાદ સંજેલી વન વિભાગ તેમજ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા દીપડાને કોઈ નુકસાન પહોંચ્યા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.હાલમાં કૂવામાં દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખીને સાવચેતીના ભાગરૂપે કૂવાને ઢાંકી દેવામાં આવ્યો છે. કૂવામાં પાણીનું પ્રમાણ પણ ઓછું હોવાનું જાણવા મળ્યું છે. જોકે, દિવસ દરમિયાન આસપાસના વિસ્તારમાં લોકોની અવરજવર અને ઘોંઘાટના કારણે રેસ્ક્યુ કામગીરીમાં સાવચેતી રાખવામાં આવી રહી છે. દીપડો ગભરાઈ ન જાય અને રેસ્ક્યુ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ગત રાત્રિના સમયે શિકારની શોધમાં જંગલ વિસ્તારમાં નીકળેલો દીપડો અજાણતાં કૂવામાં પડી ગયો હોવાની આશંકા છે. ત્યારે સાંજના અથવા રાત્રિના શાંત વાતાવરણમાં દીપડાને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.જંગલ વિસ્તારમાં આવેલા ખુલ્લા કૂવાઓ વન્યજીવો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે ત્યારે આવા કૂવાઓને સુરક્ષિત કરવા માટે પણ તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.








