વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
દેશના અન્નદાતાઓના સર્વાંગી ઉત્કર્ષ અને આર્થિક સશક્તિકરણના દૃઢ સંકલ્પ સાથે બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ’ યોજનાના ૨૪મા હપ્તાની રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક ₹૬,૦૦૦ ની આર્થિક સહાય ₹૨,૦૦૦ ના ત્રણ સમાન હપ્તામાં ડી.બી.ટી. (DBT) મારફત પારદર્શક રીતે પૂરી પાડતી આ મહત્વકાંક્ષી યોજના અંતર્ગત રાષ્ટ્રવ્યાપી ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ની ભવ્ય ઉજવણી સંપન્ન થઈ હતી.

આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત વાવ-થરાદ જિલ્લાના ખેડૂતોને પણ સીધો મોટો આર્થિક લાભ સાંપડ્યો છે. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આ યોજનાના ૨૪મા હપ્તા થકી જિલ્લાના અંદાજે ૧,૬૪,૯૫૫ લાભાર્થી ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ₹૩૩.૦૦ કરોડની રકમ સીધી ડી.બી.ટી. મારફત સહાય જમા કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજનાના પ્રારંભથી અત્યાર સુધીમાં ચૂકવાયેલા ૧ થી ૨૩ હપ્તાઓ મળીને વાવ-થરાદ જિલ્લાના અંદાજે ૧,૬૪,૯૫૫ ખેડૂત પરિવારોને ₹૭૬૩.૬૦ કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવી ચૂકી છે, જેના થકી ખેડૂતોની ખેતી વિષયક જરૂરિયાતોને મોટું પીઠબળ મળ્યું છે.
‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ નિમિત્તે વાવ-થરાદ જિલ્લામાં પ્રત્યેક જિલ્લા પંચાયત બેઠક દીઠ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામીણ સ્તરે આયોજિત આ કાર્યક્રમોમાં ધરતીપુત્રોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં અંદાજે ૧૭,૦૬૩ પુરુષ ખેડૂતો અને ૨,૩૬૭ મહિલા ખેડૂતો મળીને કુલ ૧૯,૪૩૦ જેટલા ખેડૂત-પશુપાલકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ ખેડૂતોએ પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ અને રકમ વિતરણનું જીવંત પ્રસારણ ઉત્સાહપૂર્વક નિહાળ્યું હતું.
આ ઉજવણી કાર્યક્રમો માત્ર સહાય વિતરણ પૂરતા સીમિત ન રહેતાં ખેડૂતોના ઉત્સાહવર્ધનનું માધ્યમ બન્યા હતા. જેમાં વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અન્વયે અંદાજે ૮૩ લાભાર્થીઓને સ્થળ પર જ સહાય તથા મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ કૃષિ ક્ષેત્રે નવતર પ્રયોગો કરનારા જિલ્લાના આશરે ૭૯ જેટલા પ્રગતિશીલ ખેડૂતોનું જાહેર સન્માન કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રી દ્વારા સીધા બેંક ખાતામાં સહાય જમા થતાં વાવ-થરાદ જિલ્લાના ખેડૂત આલમમાં ખુશી અને આભારની લાગણી જોવા મળી હતી.











