
સમીર પટેલ, ભરૂચ

ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે 31મી ઓક્ટોબર, 2026ના રોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવી રાખવા તથા તેને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે શપથ લીધા હતા.
કાર્યક્રમના ભાગરૂપે શારીરિક તંદુરસ્તી, શિસ્ત અને સામૂહિક ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ‘રન ફોર યુનિટી’ અંતર્ગત એક કિલોમીટરની દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
આ કાર્યક્રમમાં પ્રયાસ સંસ્થા, ભરૂચના આશિષભાઈ બારોટ તેમજ ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટ, ભરૂચના પરેશભાઈ મેવાડા તેમની ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.
સમગ્ર કાર્યક્રમ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના આદર્શોને જીવનમાં ઉતારવા સાથે દેશની એકતા, બંધુત્વ અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.









