આરોગ્ય સેવા સાથે યોગ સેવા જોડવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ચેરમેન શિશપાલનું આહ્વાન
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : મજેવડી દરવાજા સ્થિત GMERS મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલની ઉપસ્થિતિમાં વિશેષ ‘યોગ સંવાદ’ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ અને મેડિકલ ઇન્ટર્ન સહિત ૧૫૦ જેટલા આરોગ્યકર્મીઓ જોડાયા હતા.
કાર્યક્રમમાં શિશપાલ દ્વારા યોગને દૈનિક જીવનનો ભાગ બનાવવા, સંતુલિત આહારશૈલી અપનાવવા તેમજ નર્સિંગ સ્ટાફને યોગ્ય તાલીમ મેળવી પોતાના વિસ્તારોમાં યોગ વર્ગો શરૂ કરવા જણાવાયું હતું. તેમણે ઉમેર્યું હતું કે તબીબી સેવાની સાથે યોગ સેવા જોડાય તો દર્દીઓ અને સમાજમાં સ્વાસ્થ્યનું સ્તર વધુ સુધરી શકે છે.
આ પ્રસંગે સુપ્રિટેન્ડેન્ટ ડૉ. કૃતાર્થ બ્રહ્મભટ્ટે ભગવદ્ ગીતાના શ્લોકો ટાંકીને યોગના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. આ કાર્યક્રમમાં મેડિકલ કોલેજના ડીન ડૉ. પંડ્યા, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ હેમલતાબેન, સ્ટેટ કો-ઓર્ડિનેટર અનિલ ત્રિવેદી, મનપા કો-ઓર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા, જિલ્લા કો-ઓર્ડિનેટર જયંતી કાછડીયા, સોનલબેન બગડા તેમજ જિલ્લા રમતગમત અધિકારી મનીષકુમાર જીલડિયા સહિતના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં યોજાયેલા આ સંવાદ થકી ચિકિત્સા ક્ષેત્રમાં યોગના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું હતું.











