એકતા નગરમાં ₹9.49 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ

એકતા નગરમાં ₹9.49 કરોડના ખર્ચે તૈયાર થયેલા ‘રેઇન ફોરેસ્ટ’ પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદી દ્વારા લોકાર્પણ

 

*પ્રોજેક્ટમાં ખાસ આકર્ષણ રૂપે બનેલા 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈને વનમાં ઉછેરેલા રોપા-વૃક્ષો વિશે ઝીણવટભરી માહિતી મેળવી*

 

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મ જયંતિ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણને ખુલ્લું મૂકાયું છે. વાગડિયા ચેકપોસ્ટ નજીક નવા ગોરા બ્રિજ પાસે રૂપિયા 9.49 કરોડના ખર્ચે 47,000 ચોરસ મીટર વિસ્તારમાં ‘રેઇન ફોરેસ્ટ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ બાદ વડાપ્રધાનએ સમગ્ર પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. જેમાં મુખ્ય આકર્ષણ એવા 220 મીટર લાંબા ગ્લાસ ડેક ધરાવતા સ્કાયવોક બ્રિજ પરથી પસાર થઈને સમગ્ર પ્રોજેક્ટને નજીકથી નિહાળ્યો હતો. આ પ્રોજેક્ટમાં ઉગાડેલા વિવિધ છોડ-વૃક્ષો વિશેની ઝીણવટભરી વિગતો નર્મદા નિગમના ચેરમેનશ્રી મુકેશ પુરી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારીશ્રી અમિત અરોરા પાસેથી મેળવી હતી. વડાપ્રધાન સાથે આ વેળાંએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા.

એકતા નગર ખાતે વિકસિત રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટ પ્રાકૃતિક સૌંદર્ય, જૈવવિવિધતા અને ટકાઉ પ્રવાસનનો અનોખો સમન્વય રજૂ કરે છે. આ સ્થળે ભારતના પશ્ચિમ ઘાટ, હિમાલય અને આંદામાન-નિકોબાર ટાપુઓ જેવા પ્રદેશોની રેઇન ફોરેસ્ટની વિવિધ સદાબહાર વનસ્પતિની પ્રજાતિઓનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના માધ્યમથી પ્રવાસીઓને ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા, વન સંરક્ષણ તથા સ્થાનિક વનસ્પતિના મહત્ત્વ વિશે જાણવાની અને સમજવાની તક મળી રહેશે.

રેઇન ફોરેસ્ટમાં પ્રકૃતિની સમીપ રહેવાની સાથે પ્રવાસીઓના મનોરંજન માટે અનેક આકર્ષણો વિકસાવવામાં આવ્યાં છે. આમાં આશરે 220 મીટર લાંબો ગ્લાસ ડેક ધરાવતો સ્કાયવોક બ્રિજ મુખ્ય આકર્ષણ બનશે. ગ્લાસ વૉક-વે પર ચાલતાં પ્રવાસીઓને રેઇન ફોરેસ્ટના પ્રાકૃતિક સૌંદર્યને એક અનોખા દૃષ્ટિકોણથી નિહાળવાનો અનુભવ મળશે. આ ઉપરાંત, 5થી 8 મીટરની ઊંચાઈ ધરાવતો ધોધ તથા સર્ક્યુલર તળાવ અને તેને જોડતા પુલો સ્થળની સુંદરતામાં વધારો કરશે. પ્રાકૃતિક પથ્થરોથી બનાવવામાં આવેલું 20 ફૂટ ઊંચું અને 40 ફૂટ પહોળું પ્રવેશદ્વાર પણ પ્રવાસીઓને આકર્ષિત કરશે. નર્મદા પથ્થર અને ઈંટ-ચૂનાના વૉકિંગ ટ્રેલ્સ, વૃક્ષોની હારમાળા અને રેઇન ફોરેસ્ટના વિવિધ સ્તરોને દર્શાવતું થીમેટિક લેન્ડસ્કેપિંગ પ્રવાસીઓને એક અનોખો અનુભવ કરાવશે.

 

રેઇન ફોરેસ્ટનું ઇન્ફોર્મેશન સેન્ટર નકશા, ચિત્રો, માહિતીપ્રદ ડિસ્પ્લે અને QR કોડના માધ્યમથી પ્રવાસીઓને વરસાદી ફોરેસ્ટ ઇકોલોજી, જૈવવિવિધતા અને વન સંરક્ષણ વિશે માહિતી પૂરી પાડશે. તો બાળકો માટેના પ્લે એરિયામાં રોક ક્લાઇમ્બિંગ વૉલ, વિવિધ ઊંચાઈની સ્લાઇડ્સ, સીડીથી જોડાયેલી ટ્રી બાલ્કનીઝ અને હીંચકાઓ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.

 

*એકતા નગર ખાતે નિર્મિત રેઇન ફોરેસ્ટથી થનારા લાભો*

 

* એકતા નગરમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન મળશે, જેના પરિણામે સ્થાનિક આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.

* ભારતના વિવિધ પ્રદેશોની વનસ્પતિ અને સમૃદ્ધ જૈવવિવિધતાને એક જ સ્થળે નિહાળવાની તક મળશે.

* વિદ્યાર્થીઓ, સંશોધકો અને પ્રકૃતિપ્રેમીઓ માટે પર્યાવરણ અને જૈવવિવિધતાને લગતું રિસર્ચ સ્થળ બનશે.

* જવાબદાર અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન મળશે તથા એકતાનગરની પ્રવાસન સ્થળ તરીકેની ઓળખ વધુ મજબૂત બનશે.

58
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો