સાંસદ રાજેશ ચુડાસમા પહોંચે તે પહેલાં આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા ખાતમુહૂર્ત કરાયું: બાદમાં ભાજપના આગેવાનોએ પણ કરી વિધિ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : જિલ્લાના ભેસાણ ખાતે ઉબેણ નદી પર સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. ૭ કરોડના ખર્ચે બનનારા બ્રિજના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભારે રાજકીય ગરમાવો અને વિવાદ સર્જાયો હતો. સરકારી ખર્ચે થતાં વિકાસના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને આમંત્રણ ન અપાતાં મામલો બિચક્યો હતો. સાંસદ રાજેશ ચુડાસમા પહોંચે તે પૂર્વે જ ‘આપ’ના સભ્યોએ બ્રિજનું ખાતમુહૂર્ત કરી દેતાં સમગ્ર પંથકમાં ચર્ચા જાગી છે.
ભેસાણ પંથકના લોકો માટે લાંબા સમયથી માથાનો દુખાવો બનેલા ઉબેણ નદીના પુલનો પ્રશ્ન ઉકેલાતાં લોકોમાં રાહતની લાગણી હતી. ભૂતકાળમાં કેશુભાઈ પટેલના શાસનકાળ દરમિયાન પણ આ પુલ બે વખત મંજૂર થયો હોવા છતાં કામ અટકી પડ્યું હતું. આખરે ૭ કરોડના ખર્ચે બ્રિજ નિર્માણનું કામ હાથ ધરાયું ત્યારે તેના ખાતમુહૂર્તમાં પણ રાજકીય ખેંચતાણ સામે આવી છે.
આમ આદમી પાર્ટીના સભ્યોએ આક્ષેપ કર્યો હતો કે, પ્રજાના ટેક્સના નાણાંથી થતા વિકાસકામો કોઈ પક્ષની અંગત જાગીર નથી. ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઉપેક્ષા કરીને ભાજપ દ્વારા સરકારી તંત્રનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપેક્ષા સામે રોષ વ્યક્ત કરી ‘આપ’ના સભ્યોએ સાંસદ પહોંચે તે પહેલાં જ ખાતમુહૂર્તની વિધિ પૂર્ણ કરી દીધી હતી.
ત્યારબાદ સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વિપુલ કાવાણી, સ્થાનિક ભાજપ આગેવાનો તેમજ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ગૌસ્વામી તથા બોરીચાની ઉપસ્થિતિમાં ફરીથી વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. એક જ બ્રિજના બે વખત ખાતમુહૂર્ત થવાની ઘટના સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બની છે.











