રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૩૧.૧૦.૨૦૨૬
આજે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી તથા ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે હાલોલ પોલીસ દ્વારા ‘એકતા, સુરક્ષા અને સમૃદ્ધિ’ની ભાવનાને વધુ મજબૂત કરવાના હેતુસર ભવ્ય ‘રન ફોર યુનિટી’ (એકતા દોડ) નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમા ઉપસ્થિત તમામ મહાનુભાવો, પોલીસ જવાનો અને વિદ્યાર્થીઓએ દેશની અખંડિતતા અને સાર્વભૌમત્વને જાળવી રાખવાના તેમજ “એકતા, સુરક્ષા અને સમૃદ્ધિ” ના ભાવને મજબૂત કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ કાર્યક્રમથી સમગ્ર હાલોલ પંથકમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો માહોલ છવાઈ ગયો હતો.આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે યોજાયેલી દોડનો પ્રારંભ પાવાગઢ રોડ પર આવેલા કાળીભોય ત્રણ રસ્તા પાસેથી કરવામાં આવ્યો હતો. હાલોલ નવી કોર્ટ સામે આવી આ દોડનું સમાપન થયું હતું. સમગ્ર આયોજન દરમિયાન સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું.આ એકતા દોડમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, હાલોલ DYSP વી.જે. રાઠોડ, હાલોલ ટાઉન પીઆઈ ડી.પી. સોલંકી, હાલોલ રૂરલ પીઆઈ વી.એચ.જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ,તેમજ હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ,હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ સહિત શહેરના શ્રેષ્ઠીઓ, અગ્રણીઓ અને મોટી સંખ્યામાં શાળાના ઉત્સાહી બાળકોએ જોડાઈને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.










