સરદાર સાહેબના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જાળવવાનો સૌએ લીધો સંકલ્પ

પાટણમાં પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં ભવ્ય એકતા રેલી યોજાઈ; એ.પી.એમ.સી. માર્કેટયાર્ડથી પ્રગતિ મેદાન સુધી રેલીનું આયોજન કરાયું
પ્રગતિ મેદાન ખાતે કેવડિયા ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું
માહિતી બ્યુરો, પાટણ
તા. ૩૧/૧૦/૨૦૨૬
સમાચારની સંખ્યા :- ૭૨૫/૮૧
ભારતની એકતા અને અખંડિતતાના પ્રતીક તથા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે પાટણ જિલ્લામાં પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને ભવ્ય એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. સૌએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને અખંડ ભારતની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
પાટણ એ.પી.એમ.સી. માર્કેટયાર્ડ ખાતે સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને મહાનુભાવોના હસ્તે પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્વક વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ સરદાર સાહેબના રાષ્ટ્રનિર્માણમાં અમૂલ્ય યોગદાન અને દેશના એકીકરણ માટેના તેમના ઐતિહાસિક કાર્યને સ્મરણ કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પ્રભારી મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર સહિત ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી એકતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. એ.પી.એમ.સી. માર્કેટયાર્ડથી શરૂ થયેલી આ રેલી પ્રગતિ મેદાન ખાતે પહોંચી હતી.
પ્રગતિ મેદાન ખાતે રેલીમાં જોડાયેલા મહાનુભાવો અને ઉપસ્થિત અતિથિઓનું સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેવડિયા ખાતે યોજાઈ રહેલા રાષ્ટ્રીય કક્ષાના રાષ્ટ્રીય એકતા દિવસના ભવ્ય કાર્યક્રમનું એલઈડી સ્ક્રીન મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવો, નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો. જેમાં ભવ્ય પરેડ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું પ્રેરણાદાયી સંબોધન નિહાળવા અને સાંભળવાની તક મળી હતી.
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષાને જાળવવા માટે નાગરિકોમાં રાષ્ટ્રભાવના અને સામૂહિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત કરવાનો છે. સરદાર વલ્લભભાઈ પટેલે દેશી રજવાડાંઓના એકીકરણ દ્વારા અખંડ ભારતના નિર્માણમાં આપેલું યોગદાન દેશવાસીઓ માટે હંમેશાં પ્રેરણારૂપ રહેશે. પાટણ જિલ્લામાં યોજાયેલી આ એકતા રેલી દ્વારા પણ નાગરિકોમાં રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને સંગઠિત ભારતનો સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાવિકભાઈ પટેલ, પાટણ જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. પ્રશાંત જિલોવા, પાટણ નગરપાલિકા પ્રમુખશ્રી ચંદ્રિકાબેન રાવળ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ. પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી ડૉ. મેહુલ બરાસરા, એ.પી.એમ.સી. ચેરમેનશ્રી સ્નેહલ પટેલ, પ્રાંત અધિકારીશ્રી જેનિશ પાંડવ સહિત જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.










