વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર નવસારી જિલ્લામાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉત્સાહ અને દેશભક્તિના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વહેલી સવારે ‘રન ફોર યુનિટી’ માર્ચ અને સાંજના નવસારી ટાઉનહોલ ખાતે મુખ્ય ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેશની આઝાદી સમયે જટિલ પરિસ્થિતિઓ વચ્ચે ૫૬૨ જેટલા દેશી રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કરાવીને અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર પટેલના અદ્વિતીય યોગદાનને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સન્માનપૂર્વક યાદ કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લાના મુખ્ય કાર્યક્રમમાં *આદિજાતિ વિકાસ, ખાદી કુટિર અને ગ્રામોદ્યોગ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ, સામાન્ય વહીવટ વિભાગના સચિવ અને નવસારી જિલ્લા પ્રભારી સચિવ સુશ્રી આદ્રા અગ્રવાલ, મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા, ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા કલેકટરશ્રી મનીષ ગુરુવાની, મ્યુનિસિપલ કમિશનરશ્રી જયેશ ઉપાધ્યાય* વિશેષ હાજર રહ્યા હતા.
આ નિમિતે આદિજાતિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સરદાર સાહેબની અજોડ કૂનેહ, પ્રખર રાષ્ટ્રભક્તિ અને વહીવટી દીર્ઘદ્રષ્ટિને કારણે જ આજે ભારત એકસૂત્રે બંધાયેલું અને મજબૂત રાષ્ટ્ર બની શક્યું છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેવડિયા ખાતે ૧૮૨ મીટર ઊંચી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું નિર્માણ કરીને સરદાર સાહેબને વૈશ્વિક સ્તરનું સન્માન આપવામાં આવ્યું છે.
આ અવસરે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સેવાઓ આપનાર પ્રતિભાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. ઉપસ્થિત સૌ નાગરિકોએ સામુહિક રીતે રાષ્ટ્રીય એકતાના શપથ લીધા હતા તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેથી યોજાયેલી એકતા પરેડ અને વડાપ્રધાનશ્રીના પ્રેરણાદાયી ઉદબોધનનું જીવંત પ્રસારણ ઉત્સાહભેર નિહાળ્યું હતું.
ટાઉનહોલ ઉપરાંત સમગ્ર નવસારી જિલ્લાના ૬ તાલુકાઓ- ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ, નવસારી અને વાંસદાની કુલ ૩૮૭ ગ્રામ પંચાયતો અને વિસ્તારોમાં પણ ઉજવણી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ રાષ્ટ્રીય એકતાનો સંદેશ જન-જન સુધી પહોંચાડ્યો હતો.
આ ગરિમાપૂર્ણ પ્રસંગે , જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, સ્થાનિક અગ્રણી ભૂરાભાઈ શાહ સહિત વહીવટી અને પોલીસ તંત્રના અધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.









