રસ્તા અને કોઝવેની કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ સાથે મોટી મોલવેરીના ગ્રામજનોની ઉગ્ર આંદોલનની ચીમકી


વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મોટી મોલવેરી ગામના જામનપાડા ફળિયાથી હનુમાન ફળિયાને જોડતો રસ્તો તેમજ વણખાસ ગામના મુખ્ય માર્ગથી સ્મશાનભૂમિ તરફ જતો રસ્તો વર્ષોથી બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે નારાજગી જોવા મળી રહી છે.
મોટી મોલવેરી ગામના ગ્રામજનોના જણાવ્યા મુજબ, રસ્તા અને કોઝવેની યોગ્ય સુવિધા ન હોવાને કારણે ચોમાસા દરમિયાન બાળકોને શાળાએ જવા તેમજ ગ્રામજનોને બજાર અને ડેરી સુધી પહોંચવામાં ભારે હાલાકી પડે છે. અનેક વખત આશરે પાંચ કિલોમીટરનો લાંબો ચકરાવો કરવો પડે છે. રસ્તા પર મોટા પથ્થરો બહાર આવી ગયા છે અને પાણીના વહેણને કારણે અવરજવર જોખમી બની છે. ચોમાસામાં એમ્બ્યુલન્સની અવરજવર પણ મુશ્કેલ બને છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ, તૂટેલા કોઝવે પરથી લાકડાં મૂકીને જીવના જોખમે પસાર થવાની ફરજ પડે છે. આ માર્ગનો ઉપયોગ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના લોકો પણ કરે છે.
બીજી તરફ વણખાસ ગામમાં સ્મશાનભૂમિ તરફ જતો રસ્તો પણ અત્યંત ખરાબ હાલતમાં છે. કોઈના અવસાન સમયે અંતિમયાત્રા દરમિયાન મૃતદેહને ખભા પર ઊંચકીને ઉબડખાબડ રસ્તે લાંબું અંતર કાપવું પડતું હોવાથી ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આ બંને ગામોના રસ્તાના પ્રશ્ને સમસ્ત આદિવાસી સમાજના દક્ષિણ ગુજરાતના પ્રભારી ડો. નિરવ ભુલાભાઈ પટેલ દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, વારંવાર રજૂઆત કરવા છતાં જિલ્લા પંચાયત અને સ્થાનિક પંચાયત વચ્ચે જવાબદારી અંગે સ્પષ્ટતા ન થતાં પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી.
વર્ષોથી પડતર આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવી રસ્તા અને કોઝવેની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી મોલવેરીના ગ્રામજનોએ ઉગ્ર જનઆંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી ગ્રામજનોને રાહત આપે તેવી માંગ ઉઠી છે.
આ પ્રસંગે ચેતન ચૌધરી, જયેન્દ્ર ભોયા, રમેશભાઈ, સૌરવ ભગરીયા, કાર્તિક સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.










