વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ દ્વારા આંતરરાજ્ય ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન હેલ્મેટનાં બોક્સની આડમાં લઈ જવાતો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 9,37,760નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા કડક વાહન ચેકિંગની સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સાપુતારા પોલીસ સ્ટેશનના પી.આઈ. જે.કે. બારિયા અને પી.એસ.આઈ. બી.બી. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ સાપુતારા આંતરરાજ્ય ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરી રહી હતી.
દરમિયાન મહારાષ્ટ્ર તરફથી આવી રહેલી બોલેરો મેક્સી ટ્રક નંબર HR-39-C-7412ને શંકાના આધારે રોકી તપાસ હાથ ધરવામાં આવી હતી. ટ્રકના પાછળના ભાગમાં હેલ્મેટનાં બોક્સ ભરેલા જોવા મળ્યા હતા. જોકે, સઘન તપાસ દરમિયાન હેલ્મેટનાં બોક્સની આડમાં વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસે ટ્રકમાંથી વિદેશી દારૂનાં 103 બોક્સ, જેમાં ટીન બીયર સહિત કુલ 3,696 નંગ બોટલો મળી આવી હતી. કુલ 1,064.64 લિટર દારૂની કિંમત રૂ. 4,85,760 હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત હેલ્મેટનાં 140 બોક્સ (કિંમત રૂ. 42,000), બોલેરો મેક્સી ટ્રક (કિંમત રૂ. 4 લાખ) અને બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કિંમત રૂ. 10 હજાર) મળી કુલ રૂ. 9,37,760નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
આ મામલે પોલીસે સચિન મુકેશકુમાર ખીરચી (ઉંમર 18, રહે. સિવાની મંડી, હરિયાણા) અને ધરમવીર ઓમપ્રકાશ ખાતી (ઉંમર 36, રહે. ડુંગરાણા ગામ, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. જ્યારે સીતારામ (રહે. સિવાની, હરિયાણા)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ અંગે સાપુતારા પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 98(2), 81 અને 83 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










